રેસ્ક્યુ કામગીરી:રેસ્ક્યુ ફાઉન્ડેશનની ટીમે કેમેરાની મદદથી પાઈપ ચીરીને બચાવ્યું

વહેલાલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધાબાની વરસાદની પાઈપમાં બિલાડીનું બચ્ચું ફસાયું હતુું
  • માલિકે બિલાડી બચ્ચાને બચાવવા ટાઇલ્સ પ્લાસ્ટર તોડાવ્યા, રેસ્ક્યુ કામગીરી વિડિઓ ઉતાર્યો

અમદાવાદ રાણીપની એક સોસાયટીમાં બિલાડીનું બચ્ચું વરસાદી નિકાલની કન્સિલ પાઈપમાં ઘૂસીને ફસાઈ જતાં અમદાવાદ રેસ્ક્યુ ફાઉન્ડેશનની ટીમે કેમેરાની મદદથી પાઈપમાં લોકેશન શોધી ટાઇલ્સ તોડી પાઇપ ચીરીને બિલાડીના બચ્ચાને બચાવી લીધું હતું. આ અંગેની માહિતી રવિવારે વહેલાલના ઘરમાં ઘુસી ગયેલો સાપ પકડવા આવેલી રેસ્ક્યુ ટીમ મેનેજરે વિડિઓ બતાવી જણાવ્યું હતું.

અમદાવાદ રાણીપની અદ્રઈટ સોસાયટી હર્ષ પટેલના બંગલા નંબર એ-45ના બીજા માળે ધાબાપર બિલાડીના 2 બચ્ચા રમતાં રમતાં ધાબાની વરસાદી નિકાલની લાઈનમાં જતા રહ્યા હતા. હર્ષ પટેલે 1 બચ્ચાને બચાવી લીધું પરંતુ બીજું બચ્ચું વરસાદી નિકાલની પાઈપમાં પડી ગયું હતું. 4 વળાંક વાળી પાઇપ હોવાથી બચ્ચું નીચે ના પડતા અધવચ્ચેજ ફસાઈ મ્યાઉં મ્યાઉં અવાજ કરતું હતું. બચ્ચું ચોક્કસ કઈ જગ્યાએ ફસાયું તે જોઈ શકાતું ન હતું.

જીવ દયા પ્રેમી હર્ષ પટેલે બચ્ચાને બચાવવા રેસ્ક્યુ ફાઉન્ડેશનને કોલ કરતા મહેશભાઈ, માર્ગેશભાઈ, રાજભાઈ અને સુહાગભાઈ એમ 4 સભ્યોની રેસ્ક્યુ ટીમ આવી ગઈ હતી. પાઈપમાં કેમેરો ઉતારી ચોક્કસ જગ્યા શોધી કાઢી હતી જ્યાં બચ્ચું ફસાયું હતું. પીવીસી પાઇપ લાઈન ભીતમાં હોવાથી બિલાડીને બચાવવા જીવદયા પ્રેમી માલિકે મંજૂરી આપતા દીવાલ પરના ટાઇલ્સ ઉખાડી પ્લાસ્ટર તોડી,જ્યાં બિલાડી ફસાઈ હતી તે ચોક્કસ જગ્યાએ પીવીસી પાઇપ બિલાડીને ઇજા ન થાય તેમ ચીરી બિલાડીના બચ્ચાને જીવતું અને ઇજા વગર બચાવી લેવાયું હતું. બિલાડીનું બચ્ચું બહાર આવતાં જ બિલાડીએ બચ્ચાને જીબ વડે ચાટી કોઈ ઇજા તો નથી એમ તપાસ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...