વહેલાલ બસ સ્ટેન્ડ અને ગ્રામ પંચાયત પાસે નામ વગરના પીએચસી સેન્ટરના મકાન ઉપર રાજકીય પક્ષના કાર્યકરોએ મસમોટું હોર્ડિંગ લગાવી દીધું હતું.આ હોર્ડિંગ ત્રણ દિવસ સુધી સરકારી મકાન ઉપર હતું, સરકારી મકાનના સંચાલકો તેમજ ગ્રામ પંચાયત આ અંગે અજાણ હતા પણ ગામના એક યુવાનનું ત્રણ દિવસથી આ હોર્ડિંગ પર ધ્યાન હતું આથી તેણે સી વિઝીલ એપમાંથી લાઈવ ફોટો પાડી સરકારી મકાન ઉપર હોર્ડિંગ બેનર હોવાનું લખી મોકલતા 10 જ મિનિટમાં પંચની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે પોલીસ કર્મીઓ સાથે આવી હોર્ડિંગ ઉતારી લીધું હતુ.
નામ વગરના હોર્ડિંગ લગાવેલા મકાન પાસે ફ્લાઈંગ સ્કવોર્ડે આવી લોકોને પૂછવું પડ્યું હતુ કે આ સરકારી મકાન છે.લોકોએ કહ્યું પછી પાસેની કન્સ્ટ્રકશન સાઇટ પરથી નિસરણી લાવી પોલીસ કર્મીઓએ ઉતારી લીધું.હોર્ડિંગ સાથે ફ્રેમ તોડી કારમાં લઈ ગયા અને હોર્ડિંગ ઉતારતો વિડિયો રેકોર્ડિંગ કરી ઓનલાઈન અરજદારને જાણ પણ કરી દેવાઈ હતી. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે ચૂંટણી પંચ જે-તે ઉમેદવાર કે પાર્ટીનું પોસ્ટર બેનર કે હોર્ડિંગ હોય તેઓને આચારસંહિતાના ભંગ બદલ દંડ કે સજા ફટકારતું નથી.જો જેતે ઉમેદવાર પાર્ટી પાસેથી દંડ વસૂલાય તો જાહેર કે ખાનગી મિલકત પર હોર્ડિંગ લગાવવાનું બંધ થઈ જાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.