અસલાલીમાં તસ્કરોએ કેમિકલ કંપનીના ગોડાઉનની ઓફિસમાં આગ લગાડી, કેમેરાનું ડી.વી.આર તેમજ એસીનું ઇન્ડોર યુનિટ બાળી નાંખી, કેમિકલના 18 બેરલ તેમજ કેમિકલના પાઉડરની ડોલ, બેગ મળી કુલ 3,80,250ના મુદ્દામાલની ચોરી કરી હોવાની ફરિયાદ કંપની મેનેજરે અસલાલી પોલીસમાં દાખલ કરી હતી. સદનસીબે આગથી કેમિકલોમાં કોઈ આગ નહીં લાગતા મોટી જાનહાની ટળી હતી.
આ અંગે અસલાલી પોલીસમાં દાખલ કરેલ ફરિયાદ મુજબ અસલાલી આલ્ફા હોટલ પાછળ આવેલ વેર હાઉસમાં પ્રકાશ કેમિકલ એજન્સી પ્રા. લિમિટેડનું ગોડાઉન આવેલું છે. જેમાં GNFC તેમજ GACLના વિવિધ કેમિકલો ખરીદી નાના વેપારીઓ ફેક્ટરીઓને સપ્લાય કરાતા કેમિકલો રાખવામાં આવે છે. ગોડાઉન સવારે 9થી સાંજે 6 સુધી ખોલવામાં આવતું હોય છે.
10 ડિસેમ્બરે સવારે ગોડાઉન ઈન્ચાર્જ ઉજ્જવલ શાહ ગોડાઉન પર ગયા ત્યારે જાણ થઈ કે ગોડાઉનમાં કોઈ અજાણ્યા તસ્કરોએ ગોડાઉનનું શટર ઊંચું કરી ગોડાઉનમાં પ્રવેશી ગોડાઉનની ઓફિસમાં આગ લગાડતાં ઓફિસમાં રાખેલ કેમેરાનું ડી.વી.આર તેમજ એસીનું ઇન્ડોર યુનિટ બળીને ખાખ થઇ ગયું હતું. તસ્કરોએ ઓફિસમાં આગ લગાવી, ગોડાઉનની અંદર પડેલા ઇથાઇલ એસીટેટ કેમિકલના 18 બેરલ , પોટેશિયમ પરમેનેટ પાઉડરની 3 ડોલ તથા જાનથન ગમ પાઉડરની 1 બેગ ચોરી કરી ગયા હતા. ચોરાયેલા કેમિકલની કુલ કિંમત 3,80,250 થાય છે.
આમ અજાણ્યા તસ્કરોએ ગોડાઉનનું શટર ઊંચું કરી ઓફિસમાં આગ લગાવી રૂપિયા 3,80,250ના ઇથાઇલ એસીટેટ કેમિકલના 18 બેરલ, પોટેશિયમ પરમેનેટ પાઉડરની 3 ડોલ તથા જાનથન ગમ પાઉડરની 1 બેગ કેમિકલોની ચોરી કરતા કંપની મેનેજર હાર્દિક રાજપરાએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.