સેવાકાર્ય:દસક્રોઈના શિક્ષકના પ્રયાસો દ્વારા 200 પરિવારને મદદ

વહેલાલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનમાં યુવાનો -શિક્ષકે રસોઈ બનાવી 200 પરિવારને મફત ભોજન કરાવ્યું
  • યુવાનોએ ઘેર ઘેરથીઅનાજ ઉઘરાવ્યું, કરિયાણાની 1,51,750 કિટ આપી

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ભારત સરકારે લોકડાઉન જાહેર કરવું પડ્યું હતુ. આ લોકડાઉનની સ્થિતીમાં ધંધા, રોજગાર બંધ થઈ ગયાં અને આવા સમયે છૂટક મજૂરી કરીને પેટિયું રળતા પરિવારોની સ્થિતી અત્યંત દયનીય બની ગઈ હતી. ત્યારે જાનીયાપીર પ્રાથમિક શાળાના શિક્ષક નિરતભાઈ જોષીએ શાળાની તેમજ આજુબાજુમાં રહેતા પરિવારોની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન પરિવારોને અત્યંત દયનીય પરિસ્થિતિમાં જોઈ તેમનું હૈયું દ્રવી ઉઠ્યું અને ત્યાં જ આ પરિવારોની મદદ કરવાનો સંકલ્પ કર્યો.

આ માટે નિરતભાઈએ તેઓ જ્યાં રહે છે તે વસ્ત્રાલ પેરેડાઈઝ યુવક મંડળ સાથે ચર્ચા કરી બનતી મદદ કરવા તૈયારીઓ આદરી. બીજી તરફ એક સંસ્થાને પણ જાણ કરી બનતી મદદ કરવા વિનંતી કરી. નિરતભાઈ જોષીના પ્રયત્નોની ફલશ્રુતિ સ્વરૂપે સંસ્થા ના રોજ 80 અનાજની કીટનું શાળાના પ્રાંગણમાં જ જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ કરાયુ હતુ.આ કીટમાં 4 કિલો ઘઉંનો લોટ, 1.5 કિલો ચોખા, 1.5 કિલો તુવર દાળ, 1 કિલો ખાંડ, 1 કિલો મીઠું, 1 ડેટોલ સાબુ, 500 મી.લી. તેલ આપવામાં આવ્યું હતું. 80 કીટની રકમ રૂપિયા 28,000 ની સામગ્રીની સીધી મદદ આ પરિવારોને પહોંચાડવામાં આવી હતી. આટલેથી ના અટકતા નિરતભાઈ જોષીના પ્રયત્નો આગળ પણ ચાલુ જ રહ્યાં.

તેમણે પંચવટી પેરેડાઈઝ, વસ્ત્રાલના યુવક મંડળ સાથે મળી પંચવટી પેરેડાઈઝમાંથી ઘઉં, ચોખા, દાળ વિગેરે સામગ્રી ઉઘરાવવાનું શરૂ કર્યુ હતું. બીજી તરફ ખૂટતી સામગ્રી યુવક મંડળ અને નિરતભાઈ જાતે પૂરી પાડશે તેમ નક્કી કરી શાળામાં જ રસોડું શરૂ કરવાનું નક્કી કરી રસોઈ બનાવી જરૂરિયાતમંદ પરિવારોને શાળામાં જ ભોજન વિતરણ કરવાનું શરૂ કરાયુ હતુ.લગભગ 200 પરિવારોને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઘણા દિવસો સુધી ભોજન પીરસવામાં આવ્યું હતું. ભોજન બનાવવાના કાર્યમાં શિક્ષક નિરત જોષી, પંચવટી પેરેડાઈઝ યુવક મંડળના સભ્યો, મ.ભો.યો. ના સંચાલિકા બહેન તેમજ મ.ભો.યો.ના સેવિકા બહેનોએ ખડેપગે શ્રમકાર્ય કર્યુ હતુ.

સેવા કાર્ય બંધ કરતા પહેલા જીવનજરૂરી ચીજોનું પણ વિતરણ કરવામા આવ્યું
સેવાકાર્ય બંધ કરતા પહેલા પણ આ પરિવારોની આગામી દિવસોની ચિંતા કરતાં આ પરિવારો વચ્ચે 300 કિલો ઘઉંનો લોટ અને 150 કિલો બટાકાનું વિતરણ કરવામાં આવ્યું હતુ .અન્ન ક્ષેત્રમાં કુલ 575 કિલો ઘઉંનો લોટ, 350 કિલો શાક, 10 તેલના ડબા, 10 કિલો મરચું, 8 કિલો ધાણાજીરું, 4 કિલો હળદર, 6 કિલો મીઠું જેવી સામગ્રીનો વપરાશ થયો હતો. અન્ન ક્ષેત્રમાં કુલ રૂપિયા 1,35,000 ખર્ચાયા હતા. આમ નિરતભાઈ જોષીના પ્રયત્નો દ્વારા આવી આકસ્મિક વિકટ પરિસ્થિતિમાં શાળા આસપાસ વસતા 200 પરિવારોને કુલ રૂપિયા 1,51,750રૂપિયાની મદદ પહોંચાડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...