અમદાવાદથી માત્ર 45 કિલો મીટર દૂર આવેલું ગામ રોપડા. ગામમાં છએક મહિનાથી ‘ક્ષિતિજ સાયન્સ લેબ’ શરૂ થઈ છે. આ લેબ શરૂ થવા પાછળનું કારણ પણ વિજ્ઞાન જ છે! તમને આશ્ચર્ય થશે, વિજ્ઞાન ભણવાની વ્યવસ્થા હોવા છતાં રોપડામાં 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં માત્ર એક જ વિદ્યાર્થી ભણ્યો છે. એ પહેલાં પણ કોઈ નહીં અને ત્યાર પછી પણ કોઈ સાયન્સમાં નથી ભણ્યું. આ જ કારણથી આ લેબોરેટરી શરૂ થઈ!
ગામના વિદ્યાર્થીઓ સાયન્સમાં રસ લઈને આગળ અભ્યાસ કરે તથા યુવાનો, મહિલાઓ અને જિજ્ઞાસુઓને વિજ્ઞાનમાં રસ પડે એ માટે ગ્રામજનો અને સેવાભાવી સંસ્થાઓના સહકારથી 4 લાખના ખર્ચે શાળામાં સાયન્સ લેબ શરૂ કરાઈ. આ લેબમાં વિદ્યાર્થીઓ નિયમિત રીતે નીતનવા પ્રયોગો શીખી સાથે શિક્ષણ મેળવી વિજ્ઞાન વિષયમાં રુચિ વધારી શકશે. શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં અઘરી લાગતી બાબતોને વિવિધ પ્રશ્નો દ્વારા પ્રાયોગિક માધ્યમે જરૂરી માહિતી મેળવી શકશે.
દરેક બાળકની સ્વગતિ સાથે સ્વરુચિ અને સ્વવિચાર હોય છે તેને ધ્યાનમાં રાખી આ શાળામાં “મેકર્સ અડ્ડા” વિભાગ કાર્યરત કર્યો છે, જેમાં વિદ્યાર્થીઓ આપમેળે યોગ્ય માર્ગદર્શન હેઠળ રોબોટિક્સ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ફિઝિકલ કોડિંગ પણ શીખી સ્વગતિએ આગળ વધી શકશે. આ લેબ માત્ર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે જ નહિ પરંતુ ગામમાંથી અભ્યાસ કરતા કોઈ પણ વિધાર્થીઓ ઉપયોગી કરી શકશે અને તેઓને આગળ વિજ્ઞાન વિષય શીખવા સમજવા માટે ઉપયોગી થશે.
સિદ્ધિઃ વિદ્યાર્થીઓએ સ્કેટિંગ સહિતની વિવિધ સ્પર્ધામાં 24 મેડલ અને 50 સર્ટિફિકેટ મેળવ્યાં છે
શાળાના વિદ્યાર્થીઓએ 2015થી કરાટેની તાલીમ મેળવી રહ્યા છે. 2016માં સ્કેટિંગની રમત શરૂ કરી પ્રવીણ ઠક્કર અને પર્વ પંડ્યાની મહેનત દ્વારા આ શાળાના વિદ્યાર્થીઓ સ્પીડ સ્કેટિંગ, રિવર્સ સ્કેટિંગ, સ્કેટિંગ ખોખો, સ્કેટિંગ, મ્યુઝિકલ ચેર, વેવ બોર્ડ સાથે રોપ યોગ પણ કરી રહ્યા છે. અત્યાર સુધી વિવિધ સ્પર્ધામાં 24 મેડલ અને 50 સર્ટિફિકેટ પણ મેળવી ચૂક્યા છે. 1200ની વસ્તીમાંથી આજ સુધી એક જ વિદ્યાર્થી અંકિત પ્રજાપતિએ 2017માં 12 સાયન્સમાં પાસ થઈ, બીએસસી પૂરું કર્યું છે અને હવે ગામ અને શહેરમાં ટ્યૂશન કરે છે. એને પ્રોફેસર બનવાની ઇચ્છા છે.
લેબના ઉપયોગથી ગામ પરીવારનું નામ રોશન કરે એ જ ઉદ્દેશ
બાળકોને વિજ્ઞાનમાં રસ-રુચિ કેળવાય તે માટે અમે વિશેષ પ્રયત્નો કર્યા છે. અત્યાર સુધી ગામમાંથી માત્ર એક જ વિદ્યાર્થી સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધી શકે તે માટે “ક્ષિતિજ સાયન્સ લેબ” કાર્યરત કરાઈ છે. લેબના ઉપયોગથી વિદ્યાર્થીઓ આગળ વધે અને ગામનું નામ રોશન કરી આગળ વધે તે એક જ ધ્યેય છે.’ - નિશિથ આચાર્ય, પ્રિન્સિપાલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.