બોપલના યુવાને લોન લેવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરી હતી અને માગ્યા મુજબ પાન કાર્ડ, બેન્ક સહિતની વિગતો ભરી હતી. જોકે તેણે કોઈ જ લોન નહોતી લીધી છતાં ગઠિયાએ કોલ કરીને તમે લોન મેળવી છે માટે લોનનો હપ્તો ભરો તેવી માગણી કરી હતી. યુવાને હપ્તા ન ભર્યા એટલે તેના નગ્ન ફોટા માતા, પિતા, પત્ની અને બહેનના મોબાઈલમાં મોકલીને સોશિયલ મીડિયામાં નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી યુવાને એક બાદ એક એમ 24 ટ્રાન્ઝેક્શન દ્વારા ફક્ત 3 દિવસમાં રૂ. 1,02,203 ટ્રાન્સફર આપ્યા હતા.
બાદમાં સાઈબર ક્રાઈમમાં ગઠિયા વિરુદ્ધ તેના નંબરના આધારે ફરિયાદ દાખલ કરી હતી. બોપલના 30 વર્ષીય યુવાન અને રિયલ એસ્ટેટમાં સેલ્સમેન તરીકે જોબ કરતા યશ ગુપ્તાને લોનની જરૂર હતી અને બેન્કમાંથી લોન મળે તેમ નહોતી. માટે તેણે પ્લે સ્ટોરમાંથી એમ પોકેટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને આધારકાર્ડ, પાનકાર્ડ, ફોનબુક, લોકેશન, ગેલેરીની વિગતો ભરી હતી. જોકે તેણે કોઈ લોન લીધી ન હતી છતાં ગઠિયાએ યશના મોબાઈલ પર કોલ કરીને તમે લોન મેળવી છે અને હપ્તો ભર્યો નથી તેમ કહીને રૂ. 4000ની ઉઘરાણી કરી હતી.
યુવાને પોતે કોઈ જ લોન લીધી નથી તેમ કહ્યું ત્યારબાદ 5 દિવસ પછી ગઠિયાએ યશ તેમજ માતા, પિતા, પત્ની, બહેનના મોબાઈલ પર એડિટ કરેલા નગ્ન ફોટા મોકલીને ધમકી આપવાની શરૂઆત કરી હતી. બાદમાં વારંવાર ગઠિયો યુવાનને કોલ કરીને ધમકી આપતો હતો કે, મારા કહ્યા મુજબ લોનના રૂપિયા નહિ ભરો તો તમારા તમામ નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ.
આથી બદનામીના ડરે યુવાને 2500 રૂપિયા યુપીઆઈથી ગઠિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. ગઠિયાની સતત રૂપિયા ટ્રાન્સફર કરવાની માગણીના લીધે યુવાને ફક્ત 3 દિવસમાં કુલ 24 ટ્રાન્ઝેક્શનથી રૂપિયા 1,02,203 ટ્રાન્સફર આપ્યા હતા. જોકે તેમ છતાં ગઠિયો સતત રૂપિયાની માગણી કરતો હોવાથી તેના નંબરના આધારે યશે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.