શીલજ સર્કલ પાસે રિક્ષાચાલકે અન્ય સાગરિત સાથે મળીને પેસેન્જરને ખેતરમાં લઈ જઈ માથાના ભાગમાં સળિયો મારી 50 હજારનો મોબાઈલ, રોકડ 10 હજાર લૂંટી લીધા હતા.ગઢડા તાલુકાના ઢસા ગામનો 30 વર્ષીય યુવાન જીગર પાવરા આઈસ્ક્રીમની એજન્સી ચલાવે છે. આઈસ્ક્રીમની એજન્સી માટે છોટા હાથી વાહનની શોધમાં પોતાના 2 મિત્રો ભાવિક અને ધવલ સાથે તે અમદાવાદ આવ્ો હતો. દિવસભર સરખેજ સહિતના વિસ્તારોમાં છોટા હાથીની તપાસ કર્યા બાદ તે ન મળતાં 2 મિત્રો પરત ફર્યા હતા.
જોકે જીગરે વાહનની શોધ ચાલુ રાખી હતી અને રાતના 11 વાગે ભૂખ લાગતાં આંબલી ગામ પાસેથી હાથ ઊંચો કરી પેસેન્જર રિક્ષા ઉભી રખાવી તેને સારી હોટલે લઈ જવા કહ્યું હતું. રાતે 12.30 વાગે રિક્ષાચાલક તેને શીલજ સર્કલથી આગળ આગમન પાર્ટી પ્લોટની બાજુની ગલીમાં થઈ ખુલ્લા ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં તેનો અન્ય એક સાગરિત આવી પહોંચ્યો હતો અને બંનેએ જીગરને માથા અને કપાળના ભાગે લોખંડનો સળિયો મારી 50 હજારનો મોબાઇલ તેમજ રોકડા 10 હજાર લૂંટી નાસી ગયા હતા. ફોન અને રોકડ લૂંટાયા બાદ લોહીલૂહાણ હાલતમાં જીગરને ચક્કર આવતા તે ત્યાં જ સૂઈ ગયો હતો.
સવારે રાહદારીના ફોનથી 108 બોલાવી ઘાયલ જીગરને સોલા સિવિલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જીગરે 2 મિત્રોને બોલાવ્યા ત્યાર બાદ તેને વધુ સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સીટી સ્કેન કરતા માથામાં ફ્રેક્ચર જણાયું હતું. યુવાન ભાનમાં આવતા અજાણ્યા રિક્ષા ચાલક અને તેના સાગરિત વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આમશીલજ સર્કલ પાસે રિક્ષાચાલકે અન્ય સાગરિત સાથે મળીને પેસેન્જરને ખેતરમાં લઈ જઈ માથાના ભાગમાં સળિયો મારી 50 હજારનો મોબાઈલ તેમજ રોકડ 10 હજાર લૂંટી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.