4 આરોપી ફરાર:કમોડમાંથી સોડા પાઉડરની બેગની આડમાં ટ્રેલરમાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો

વહેલાલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનથી સનાથલ માટે દારૂ બોટલ લવાઈ હતી, 4 આરોપી ફરાર
  • અમદાવાદ ગ્રામ્યની SOG શાખાએ રૂ. 48,47,040ની દારૂની 24312 બોટલો સાથે ડ્રાઈવરને પકડી પાડ્યો

એસ.ઓ.જી શાખા અમદાવાદ ગ્રામ્યે કમોડ ગામની સીમના પાર્કિંગમા પાર્ક કરેલ ટ્રેઇલરમાં સોડા પાવડરની થેલીઓના નીચે છુપાવેલ રૂપિયા 48,47,040ની દારૂની 24312 નંગ બોટલોના જથ્થા સાથેના ટ્રેઇલર ચાલકને ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો રાજસ્થાનથી અમદાવાદ લવાયો હતો. અન્ય 4 વોન્ટેડને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ હતી.

5 લાખનું ટ્રેઇલર, 2800 રોકડ, 3000 નો મોબાઈલ 48,47,040ના દારૂ સહિત કુલ 53,53,340નો મુદામાલ કબજે કરાયો હતો. એસ.ઓ.જી શાખા અમદાવાદ ગ્રામ્યને બાતમી મળી હતી કે કમોડ ગામની સીમમાં વિષ્ણુભાઈ દેવાભાઈ ભરવાડના ખેતરમાં બનાવેલ ટ્રક પાર્કિંગની જગ્યામાં રાજસ્થાનથી ડ્રાયવરના ચોક્કસ નામ, ચોક્કસ નંબર બાતમી વાળું ટ્રેઇલર મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે આવેલું છે.

એસ.ઓ.જી.શાખાના કર્મીઓએ બાતમી મુજબ ચોક્કસ નંબરના ટ્રેઇલરને પાર્ક કરેલું જોયું. ત્યાં જઈ તપાસ કરતા ટ્રેઇલરના ડ્રાયવરે પોતાનું નામ વિક્રમસિંહ શેખાવત રહે.રાજસ્થાન જણાવ્યું હતું. અને ટ્રેઇલરમાં શું ભર્યું છે પૂછતાં બીલ મુજબ સોડા પાવડરનો 33600 કિલો જથ્થો ભરેલો છે તેવું જણાવ્યું હતુ. તપાસ કરતા સોડા પાવડરની 102 બેગો નીચે પુઠાના બોક્ષોમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા ટ્રેઇલર અસલાલી પોલીસ સ્ટેશન લઈ જવાયુ હતું.

ટ્રેઇલરમાં તપાસ કરતા સોડા પાઉડરની 102 કોથળીઓ હતી અને તેની નીચે દારૂની અલગ અલગ બ્રાન્ડની 814 પેટીઓ માંથી રૂપિયા 48,47,040 ની 24312 નંગ બોટલ મળી આવી હતી. આ જથ્થો કોણે મોકલેલ અને કોને આપવાનો છે, પૂછતા આ જથ્થો રાજસ્થાનના વોન્ટેડ 3 જણના કહેવાથી અમદાવાદના વોન્ટેડ સનાથલના મહેન્દ્રસિંહ ચૌહાણને પહોંચાડવાનો હતો તેવું જણાવ્યું હતું.

આમ એસ.ઓ.જી શાખાએ દારૂના જથ્થા સાથે ટ્રેઇલરને કબ્જે લઈ ડ્રાયવર વિક્રમસિંહ શેખાવત રહે.રાજસ્થાનને પકડી પાડી કાર્યવાહી હાથધરી વોન્ટેડ મુકેશ પુનિયા, કાળુભાઇ શેઠ, મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ અન્ય 1 અજાણ્યા આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...