ફરિયાદ:નારોલ પીરાણા રોડ પર કેમિકલયુક્ત પાણી સાબરમતીમાં છોડતું પ્રોસેસ હાઉસ પકડાયું

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીપીસીબી, ફાયર લાયસન્સ, એએમસી તેમજ શુદ્ધિકરણ પ્લાન્ટ વગર ચાલતું હતું, ગટર મારફત પાણી નદીમાં છોડાતું

નારોલ પીરાણા રોડ પર આવેલી કેમિકલ ફેકટરી દ્વારા વગર પરમિશને ગટર મારફતે કેમિકલ યુક્ત પાણી સાબરમતી નદીમાં છોડાતી ફેકટરી પકડાતાં માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી. પીરાણા નારોલ રોડ પર આવેલી એડવાન્સ કેમિકલ પાછળ આવેલ ગોડાઉનના શેડમાં ગેરકાયદેસર કાપડ વોશિંગ કરી દૂષિત પાણી ગટર મારફતે સાબરમતી નદીમાં છોડાતું હોવાની બાતમી નારોલ પોલીસને મળતાં નારોલ પોલીસે પંચો સાથે તપાસ કરતાં એડવાન્સ કેમિકલ પાછળ આવેલ મોટા પ્લોટમાં પતરાના શેડ નીચે પ્લાસ્ટિકની ટાંકીઓ અને લાકડા પડ્યા હતા. ગોડાઉનમાં અંદર જઈને જોતા કાપડના મોટા તાકાઓનું વોશિંગ થતું હતું. પ્રોસેસ હાઉસમાં કેમિકલથી તાકા ધોઈ કેમિકલ યુક્ત પાણી નાળા ગટર મારફતે પાછળ આવેલ સાબરમતી નદીમાં છોડાતું હતું.

આ અંગે ગોડાઉન માલિક કરમણભાઈ જક્સીભાઈ ભરવાડને પૂછતા જણાવ્યું કે આ ગોડાઉનમાં છેલ્લા 6 માસથી પ્રોસેસ હાઉસ ચલાવું છું. કેમિકલથી કાપડ ધોઈ પ્રોસેસ કરતો નથી. પ્રોસેસ પાણીનો શુદ્ધિકરણ પ્લાન્ટ નથી અને દૂષિત પાણી સાબરમતી નદીમાં છોડું છું. નારોલ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે એ.એમ.સીની મંજૂરી, જીપીસીબી તેમજ ફાયર લાયસન્સ વગર ગેરકાયદેસર પ્રોસેસ હાઉસ ચલાવાતું હતું.

આમ પ્રોસેસનું કેમિકલ યુક્ત પાણી સાબરમતી નદીમાં છોડાતા સાબરમતીનું પીવાનું પાણી અને હવા દૂષિત કરવાના ગુના હેઠળ માલિક સામે નારોલ પોલીસમાં ફરિયાદ દાખલ કરી પ્રોસેસ હાઉસ સિલ કરાયું હતું. આ પ્રોસેસ હાઉસ 6 માસથી જીપીસીબી, ફાયર લાયસન્સ, એએમસી તેમજ શુદ્ધિકરણ પ્લાન્ટ વગર ચાલતું હતું. આ પ્રોસેસ હાઉસનું પા‌ણી ગટર મારફત પાણી સાબરમતી નદીમાં છોડાતું હતું.

અન્ય સમાચારો પણ છે...