ઠગાઈ:લાંભાના યુવાન સાથે ડિમેટ એકાઉન્ટ ખોલ્યા વગર 5.12 લાખની છેતરપિંડી

વહેલાલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોટ્સએપ મેસેજમાં શેર માર્કેટમાં રસ છે? નો જવાબ હામાં આપ્યા બાદ ઠગાઈ
  • ડિમેટ એકાઉન્ટ નંબર માગ્યો એટલે ધમકી આપી કે, ડોક્યુમેન્ટ અમારી પાસે છે

લાંભાનો યુવાન અજાણ્યા સ્ટોક માર્કેટ એનાલિસિસ્ટની વાતોમાં આવી ઓફ લાઈન ડિમેટ એકાઉન્ટ ખોલાવવા જરૂરી પુરાવા આપ્યા બાદ રૂ. 5,12,500ની છેતરપિંડીનો ભોગ બન્યો છે જેથી તેણે સાઈબર ક્રાઈમમાં અજાણ્યા ભેજાબાજ સામે ફરિયાદ દાખલ કરી છે. લાંભા બળિયાદેવ મંદિર પાસેની સોસાયટીમાં રહેતા વિરેન્દ્રસિંહ તખતસિંહ મહિડાને વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે, હું રાજકોટથી સંજય પટેલ, સ્ટોક માર્કેટ એનાલિસિસ્ટ છું. તમને સ્ટોક માર્કેટમાં રસ હોય તો હા કે ના કહો.

યુવાને હા લખી મોકલી એટલે તેને સ્ટોક માર્કેટમાં 70 હજારનું નુકસાન થયાનું જણાવી અન્ય કુલદીપ નામના કસ્ટમર સાથે સંપર્ક કરાવી તેનો સારો અનુભવ કહેવામાં આવ્યો હતો. બાદમાં વિરેન્દ્રસિંહે સંજયના શેર બ્રોકર શિવમ સાથે વોટ્સએપ કોલમાં વાત કરી હતી. જેમાં શિવમે ઓફલાઈન ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડશે તેમ કહી આધારકાર્ડ, પાન કાર્ડ તેમજ સેલ્ફી ફોટો મગાવ્યો હતો જે તેણે વોટ્સએપથી મોકલી આપ્યો હતો. તેણે ઓફલાઈન ડિમેટ એકાઉન્ટ ખોલ્યાના 20 હજાર માગ્યા હતા જે વિરેન્દ્રસિંહે ગૂગલ પે દ્વારા ચૂકવ્યા હતા.ત્યાર બાદ સંજયની સલાહ મુજબ શેર લે-વેચમાં 1,61,500 રૂપિયા નફા પેટે લેવાના નીકળ્યા હતા જે માગતા આપ્યા નહોતા.

બાદમાં સંજયની સલાહથી એમઆરએફના 1000 શેર લેવડાવ્યા હતા અને પોઝિશન હોલ્ડ ચાર્જના 4,82,500 શિવમને ઓનલાઈન ચૂકવ્યા હતા. થોડા દિવસમાં શિવમે વિરેન્દ્રને એમઆરએફના શેર વેચાણ સહિતના કુલ 11,28,500 રૂપિયાનો ફાયદો થયો તેના 10 લાખ જમા કરાવવા પડશે તેમ કહ્યું એટલે વિરેન્દ્રને શંકા ગઈ અને તેણે ડિમેટ એકાઉન્ટ નંબર માગ્યો હતો. જોકે શિવમે તારા દસ્તાવેજો અમારા પાસે છે, પૈસા તો ભરવા જ પડશેની ધમકી આપી હતી. જેથી વિરેન્દ્રને ઓનલાઈન છેતરપિંડી થયાનું સમજાયું હતું. ઓનલાઈન છેતરપિંડી બાદ વિરેન્દ્રસિંહે મોબાઈલ નંબરના આધારે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...