શેરબજારમાં ફાયદો મેળવવો હોય તો અમે તમને બી.એસ.ઈનું આઈડી બનાવી આપીશું. તમારે ઇન્વેસ્ટ કરવાનું. આવી લાલચમાં આવી બોપલના યુવાનને બી.એસ.ઇ. એકાઉન્ટની ભળતી લિંકમાં 11 ટ્રાન્જેક્શન દ્વારા રૂપિયા 4,16,509 ગુમાવવાની નોબત આવી છે. મોબાઈલ નંબરના આધારે યુવાને અજાણ્યા શખસ વિરુદ્ધ સાઈબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી છે.
બોપલના સિલ્વરસ્ટ્રોક એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં પરચેઝ મેનેજર તરીકે જોબ કરતા તેમજ સાઈડમાં શેરબજારમાં અલગ અલગ એપથી ઇન્વેસ્ટ કરતા દિલીપભાઈ કલાલને મોબાઈલમાં વિવેક શર્મા નામના શખસનો કોલ આવેલો. તેણે ઓફર આપી હતી કે તમારો સમય બગાડ્યા વગર શેરબજારમાં રોકાણ કરવું હોય તો અમે તમને બી.એસ.ઇ એક્ષચેન્જમાં તમારું આઈડી બનાવી આપીશું. તમારા વતી અમો સારી કંપનીના શેર ખરીદીશુ રોકાણ કરીશું અને તે વેચતા નફો થશે તે તમને આપીશું. આથી દિલીપભાઈ આઈડી બનાવવા તૈયાર થયા હતા.
યુવાને આઈડી બનાવવા વિવેક શર્માની સલાહ મુજબ આધારકાર્ડ, પાન કાર્ડ, બેન્ક ડિટેઇલ અને ફોટો વિવેકને વોટ્સએપ પર મોકલી આપ્યા હતા. બાદમાં વિવેકે એક ઇ મેલ આઈડી બનાવી એક લિંક મોકલી તેમાં ઇ મેલ દાખલ કરવા જણાવ્યું હતું. યુવાને લિંકમાં આઈડી નાખી પાસવર્ડ બનાવી પાસવર્ડ ભેજાબાજ વિવેકને મોકલી આપ્યો હતો.
બાદમાં ભેજાબાજે હવે તમારે ફક્ત ઇન્વેસ્ટ કરવાનું તેમ કહ્યું હતું.યુવાને પોતાના બેન્ક ખાતામાંથી 9 તથા પત્ની અને મિત્રના ખાતામાંથી 1 -1 એમ 11 ટ્રાન્જેક્શનથી રૂપિયા 4,16,509ની રકમ વિવેકને ખાતામાં જમા આપી હતી. આમ બોપલના યુવાને મોબાઈલ નંબરના આધારે બીએસઇ એક્સચેન્જ આઈડી બનાવી આપી 4.16 લાખ પોતાના ખાતામાં જમા લેનાર ભેજાબાજ વિરુદ્ધ સાઈબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
ટ્રાન્ઝેક્શન બાદ ઇ-મેઈલ મળતો
ઇન્વેસ્ટમેન્ટ બાદ ભેજાબાજ તેના ઈ-મેઈલ પરથી પ્રપોઝલ લેટર તેમજ ઇન્વેસ્ટમેન્ટથી કેટલો ફાયદો થતો તે લેટર પણ મોકલી આપતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.