દસક્રોઈના ચવલજ ગામની ભાથીપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5ના 22 વિદ્યાર્થીને 2 શિક્ષક ભણાવે છે અને એ પણ 20 લાખના સ્માર્ટ ક્લાસરૂમમાં. ઠાકોર સમાજની 2 હજારની વસ્તી ધરાવતા ભાથીપુરાની આ શાળાને દત્તક લેનારા અમદાવાદ જિલ્લાના પૂર્વ શિક્ષણાધિકારી એમ. પી. મહેતાએ જણાવ્યું કે એક ઓરડો સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનાવાયો હતો અને તેમાં ફર્નિચર તથા અન્ય સુવિધાઓ એક સ્વૈચ્છિક સંસ્થાએ ઊભી કરી.
સંસ્થાના સહયોગથી અહીં એસી રૂમ, ઈકો ફ્રેન્ડલી બેન્ચ, ઇટાલિયન કાર્પેટ, પ્રોજેક્ટર વિથ ટચ સ્ક્રિન બોર્ડ, એલઈડી ટીવી, અષ્ટકોણીય ટેબલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. સાથેસાથે વૉટર કૂલર, દીવાલોને રંગ તેમજ શૈક્ષણિક સાહિત્ય દર્શાવતાં ચિત્રો, ડીશ વોશ તથા કમ્પાઉન્ડમાં બ્લોક નાખ્યા છે.
માત્ર 21 વર્ષની ઉંમરે કંપની સેક્રેટરી થયેલાં અને સાબરમતી યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર એકતા રાવલ પહેલા પગારમાંથી શાળાનાં બાળકો માટે રંગીન કપડાં, પક્ષીઓ માટે પાણીની પરબ, શાળામાં બનાવાયેલા બગીચામાં બેસવા માટેના બાંકડા ઉપરાંત બાળકો માટે બિસ્કિટ વગેરેની સુવિધા ઊભી કરી હતી.
ખેતમજૂરનાં બાળકોએ ટચ સ્ક્રિન પેનથી વિશ્વ સાથે તાલ મિલાવ્યો છે
‘માનો ખોળો છોડીને બાળકોને શાળામાં આવવાનું મન થાય તેવું વાતાવરણ અહીં ઊભું કર્યું છે. અમારાં બાળકો અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. વાલીઓનો ખેતમજૂરી મુખ્ય વ્યવસાય છે ત્યારે આ બાળકો પ્રોજેક્ટર, ટચ સ્ક્રિન પેનથી વિશ્વ સાથે તાલ મિલાવે છે. શાળા પરિસરમાં ઔષધિના છોડ પણ ઉછેરવામાં આવ્યા છે.’ - સુરેશ પટેલ, આચાર્ય
દીવાલો પરના રંગ-છોડ જ્ઞાન આપે છે
‘‘અમે બાળકોને શાળામાં મુક્ત રીતે જ્ઞાન મેળવી શકે તેવું વાતાવરણ પૂરું પાડ્યું છે. અમારાં બાળકો શાળાની દીવાલ પરના રંગોમાંથી, શાળામાં વાવેલા છોડમાંથી પણ જ્ઞાન મેળવી શકે તેવી તક પૂરી પાડી છે. હું ધોરણ 3થી 5 ભણાવું છું. વારાફરથી સ્માર્ટ કલાસ રૂમમાં ભણાવું છું. ગુણોત્સવમાં શાળાનો A+ ગ્રેડ આવે છે.’ - અશોક પટેલ, શિક્ષક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.