બારેજા બસ સ્ટેન્ડ પાસે બાઇકને આગળથી ઇકોએ ટક્કર મારતા બાઇક પર સવાર પિતાપુત્ર રોડ પર પટકાયા, પાછળથી આવતા ડમ્પરનું ટાયર પિતાના પગપર ચઢી જતા પિતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે અને પુત્ર ઘાયલ થયો છે. ઇકો તેમજ ડમ્પર ચાલક ફરાર થઈ ગયેલ છે.
આ અંગે અસલાલી પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ મૂળ બારેજા પાસેના ખેડા જિલ્લાના નાયકાના અને હાલ અમદાવાદ ઘુમામાં રહેતા રાજેશ જયંતીભાઈ પટેલ તેઓના પિતાને બાઇક પર બેસાડી બેંકના કામકાજ અર્થે પોતાના વતન નાયકામાં ગયા હતા. નાયકાથી બેંકનું કામકાજ પતાવી એકજ બાઇક પર સવાર થઈ પિતા પુત્ર ઘુમા જતા હતા.
દરમિયાન બારેજા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા ત્યાં ટ્રાફિકને કારણે રાજેશભાઇ ધીમેધીમે બાઇક ચલાવી રહ્યા હતા ત્યારે સામેથી આવતી ઇકો ગાડીએ બાઇકના સ્ટિયરિંગને ટક્કર મારતા રાજેશભાઇ રોડની જમણી તરફ પડી ગયેલ જ્યારે તેઓના પિતા જયંતીભાઈ ડાબી તરફ પડી ગયા હતા.
આ દરમિયાન બાઇક પાછળ આવતા ડમ્પરે રોડપર પડેલ જ્યંતીભાઈના ડાબા પગ પર ટાયર ચડાવી દીધો હતો.આસપાસ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ઘાયલ પિતાપુત્રને બારેજા રુદ્રાક્ષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ જયંતીભાઈ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.
આથી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ એસ.વી.પી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોકટરોએ તેઓને મૃત જાહેર કર્યો હતો.આમ પ્રથમ ઇકો ગાડીની ટક્કર બાદ પટકાયેલા જયંતીભાઈના પગર પર ડમ્પરનું ટાયર ફરી વરતા પિતાનું મૃત્યુ થતા પુત્રે અસલાલી પોલીસમાં ફરાર ઇકો અને ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.