કાર્યક્રમ:ધનવાડામાં યોજાયેલા તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં પાંખી હાજરી

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓની જગ્યાએ પ્રતિનિધિ હાજર રહેતા રોષ

બાવળા તાલુકાનાં ધનવાડા ગામમાં જીલ્લા વહીવટી તંત્ર અને બાવળા તાલુકા દ્વારા તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ (આઠમાં તબક્કો) યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકાનાં ચીયાડા, ઝેકડા, રૂપાલ, સાંકોદરા, ધનવાડા, ભાયલા, કલ્યાણગઢ અને ગાંગડનાં ગામનાં ગ્રામજનો માટે રાખવામાં આવ્યો હતો. પરંતુ આ કાર્યક્રમમાં પાંખી હાજરી જોવા મળી હતી. આઠ ગામમાંથી ફક્ત ભાયલા અને ધનવાડા બે જ ગામનાં ગ્રામજનો હાજર રહ્યા હતાં.તેમજ જે - તે ઓફીસનાં અધિકારીઓ પણ હાજર નહોતાં અને તેમનાં પ્રતિનિધિને મોકલી દીધા હતાં.જેથી પ્રજાનાં કામો થતાં નથી.

તાલુકા પંચાયતનાં સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન મહેન્દ્રભાઈ શ્રીમાળીએ જણાવ્યું હતું કે હું આ સેવા સેતું કાર્યક્રમમાં હાજર હતો.સેવા - સેતું કાર્યક્રમ સરકારી યોજનાનો લાભ પ્રજા સુધી પહોંચાડવાનું માધ્યમ છે. આ કાર્યક્રમમાં જવાબદાર અધિકારી હાજર હોતાં નથી તેમનાં પ્રતિનિધિને મોકલે છે. જાતિનાં દાખલા માટે, જી.ઇ.બી., મહેસુલ, ઇ-ધરા માંથી કોઈપણ કર્મચારી આવતાં નથી. જાતિનાં દાખલા માટે તાલુકા વિકાસ અધિકારી હાજર નહીં હોવાથી દાખલો બાવળા તાલુકા પંચાયત કચેરીમાંથી આવીને લઈ જજો તેવો જવાબ આપવામાં આવ્યો હતો.

તેમજ સેવા સેતુ કાર્યક્રમ નક્કી થાય તે અગાઉ ગામડાંમાં જાહેર નોટીસ, એજન્ડા કાઢી સાત દિવસ અગાઉ જાણ કરવાની હોય છે પરંતુ ગામડામાં જાણ કરવામાં આવતી નથી. જેથી કાર્યક્રમની કોઈને ખબર જ હોતી નથી.ફક્ત સરકારી નાણાનો બગાડ થાય છે.અને કાર્યક્રમો સફળ થતાં નથી. લાભાર્થીઓને પણ અધિકારીઓ હાજર રહેતાં નહીં હોવાથી લાભ મળતો નથી.

અન્ય સમાચારો પણ છે...