આચાર્યની બદલીની માગ પર ગ્રામજનો અડગ:વાલીઓએ પુરાવા આપવા શાળાનાં તાળાં ખોલ્યાં પણ ત્રીજા દિવસેય બાળકો ન મોકલ્યાં

બાવળા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કવલા પ્રાથમિક શાળાના આચાર્યની બદલીની માગ પર ગ્રામજનો અડગ

તાલુકાની કવલા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલીની માગણી સાથે ગ્રામજનોએ શનિવારે ત્રીજા દિવસે પણ બાળકોને શાળાએ મોકલ્યાં નહોતાં અને મુખ્ય દ્વાર પરનું તાળું ખોલ્યું નહોતું. તપાસ માટે આવેલા દસ્ક્રોઈ અને વિરમગામના તાલુકા શિક્ષણાધિકારીએ પુરાવા લેવા માટે સમજાવ્યા પછી ગ્રામજનોએ શાળાનાં તાળાં ખોલ્યાં હતાં. જિલ્લામાંથી 2 અધિકારીઓ આવીને પોલીસને સાથે રાખી શાળાનું લોક ખોલાવી તપાસ હાથ ધરીને તેમનો રિપોર્ટ આપશે.

બાવળા તાલુકાનાં કવલા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોનાં અંદરો- અંદરનાં ઝઘડાને લઇને ગ્રામજનોએ ગુરૂવાર બપોર પછી શાળાને તાળાબંધી કરી દીધી છે. અને ગ્રામજનોએ સૌ પ્રથમ માંગણી કરી હતી કે જયાં સુધી તમામ સ્ટાફની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી તાળાબંધી રાખવામાં આવશે અને બાળકોને પણ શાળાએ નહીં મોકલવામાં આવે તેમ ગામલોકોએ નક્કી કરી લીધું છે. ગુરૂવારે બપોરે શાળામાં શિક્ષકોએ અંદરો અંદર ઝઘડો કર્યો હતો અને બાળકોને છોડી મુક્યા હતાં. જેથી ગામલોકોએ શાળાને તાળાબંધી કરી દીધી છે તેમ ગામ લોકોએ જણાવ્યું હતું.

ગામ લોકોએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષકો બાળકોને ભણાવતાં જ નથી. મોબાઇલો જોવે છે, ભેગા થઈને બેસી રહે છે અને બાળકો પાસે ખેતરમાં મધ પડાવે છે. ભણાવવા સિવાયનું કામ કરાવે છે, ચા મુકાવે છે અને આવું લાંબા સમયથી ચાલે છે. આચાર્ય લોકોનું સાંભળતાં નથી.

ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારી માગણી છે કે આચાર્યની બદલી ના થાય ત્યાં સુધી શાળાને તાળાબંધી ચાલુ રાખવામાં આવશે અને જો શાળાનું લોક ખોલવામાં આવશે તો બાળકોને શાળામાં મોકલીશું નહીં. ગુરૂવારે શાળાને તાળુ મારી દીધું હતું અને શુક્રવારે સમય પ્રમાણે સ્ટાફ શાળાએ પહોંચતાં ગામલોકોએ તાળુ ખોલ્યું નહોતું. જેથી શાળાનો સ્ટાફ ઝાંપાની બહાર બેસી રહ્યો હતો. ઘટનાની જાણ તાલુકાનાં ટી.પી.ઈ.ઓ.ચંદ્રિકાબે ન પટેલ, બી.આર.સી. કોર્ડીનેટર દિગ્વીજયસિહ મોરી શાળાએ પહોંચી જઈને તપાસ કરી ગ્રામજનોને સમજાવ્યા હતાં.

પરંતુ ગ્રામજનો માન્યા નહોતા અને તાળાબંધી ચાલુ રાખી હતી. જેથી શનિવારે જિલ્લામાંથી દસ્ક્રોઇ અને વિરમગામનાં તાલુકા શિક્ષણાધિકારીઓને તપાસ માટે મોકલ્યા હતાં. તેઓ શાળાનાં ટાઇમે પહોંચતાં ગામલોકોએ તાળાબંધી યથાવત રાખી હતી. શાળાનો સ્ટાફ પણ ટાઇમસર પહોંચી ગયો હતો.

પરંતુ ગામ લોકોએ જણાવ્યું કે જયાં સુધી આચાર્યની બદલી ના થાય ત્યાં સુધી શાળાનું લોક ખોલવાનું નથી. જેથી અધિકારીઓની ટીમે સમજાવ્યા કે તમે શાળાનું લોક ખોલો તો અમે શાળાની અંદર રહેલા સી.સી.ટી.વી.કેમેરા અને બીજા રેકર્ડની તપાસ કરી શકીએ અને તમામનો જવાબ પણ લઈ શકીએ. જેથી પોલીસને સાથે રાખીને શાળાનું લોક ખોલાવીને અધિકારીઓએ તપાસ હાથ ધરીને ગામલોકો, શિક્ષકોનાં નિવેદનો લીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...