અકસ્માત:ભામસરા પાસે કન્ટેનર ટ્રક પાછળ કાર ઘૂસી જતાં કારચાલકનું મોત

બાવળા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માલ ભરવા આવેલા કન્ટેનરના ચાલકે ટ્રક રોડ પર પાર્ક કર્યો ત્યારે બનાવ બન્યો

બાવળા તાલુકાનાં ભામસરા ગામ પાસે હાઇ-વેની સાઇડમાં ઉભી રહેલા કન્ટેનર ટ્રકનાં પાછળનાં ભાગે ઇકો ગાડી જોરદાર ધડાકા પાછળ ધુસી જતાં ગાડીનાં ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું.જેથી બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશનું પી.એમ.કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં ભામસરા પાસે આવેલી ગ્રેઈનસ્પાન ન્યુટ્રીશન કંપનીમાં સીકયુરીટી તરીકે નોકરી કરતાં માંગીલાલ જયપ્રકાશ જાટે બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે સવારમાં હું નોકરી ઉપર કંપનીના ગેટ ઉપર હાજર હતો તે વખતે સવારનાં પોણા સાત વાગ્યે અમારી કંપનીમાં માલ ભરવા અમદાવાદ તરફથી એક કન્ટેનર ટ્રક આવ્યો હતો. જેના ડ્રાઇવરે તેનુ કન્ટેનર ટ્રક અમારી કંપનીના ગેટની સામે રોડની સાઇડમાં ઉભું રાખીને મારી પાસે આવ્યો હતો.

તેને જણાવ્યું કે સાત વાગ્યે કંપનીના વર્કરો આવવાનો ટાઇમ હોવાથી થોડીવાર રહીને તમારું કન્ટેનર ટ્રક કંપનીમાં અંદર લેવડાવી દઈએ છીએ. તેમ કહેતા તેનો ડ્રાઇવર નજીકમાં આવેલી હોટલે ચા પાણી કરવા જતો રહ્યો હતો. અને સાત વાગતાં અમારી કંપનીનાં વર્કરોની ગાડી આવતાં હું સિક્યુરીટી કેબીનમાં વર્કરોના એન્ટ્રીની નોંધ કરતો હતો તે દરમ્યાન રોડ ઉપર અકસ્માત થયાનો અવાજ આવતા મે કેબીન બહાર આવી રોડ તરફ જોયું તો અમારી કંપનીમાં માલ ભરવા આવેલા રોડની સાઇડમાં ઉભેલા કન્ટેનર ટ્રક પાછળ એક ઇકો ગાડી ઘુસી જતાં અકસ્માત થયો હોવાથી અમો દોડીને ત્યાં જઈને જોયું તો ઇકો ગાડીમાં ચાલક એક જ હતો જે ગાડીમા ફસાઇ ગયો હોવાથી અમે તેને બહાર કાઢીને તપાસ કરતાં તેને માથામાં તથા મોઢાનાં ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી સ્થળ ઉપર જ મરણ ગયો હતો.

જેથી બગોદરા પોલીસને જાણ કરતાં તરત પોલીસ આવી ગઈ હતી અને મરણ જનારની લાશ બગોદરા સરકારી દવાખાને પી.એમ.માટે મોકલી આપીને અકસ્માત કરનાર ઇકો ગાડીનો નંબર જોતાં GJ - 04 - CJ - 2993 નો હતો. અને કન્ટેનર ટ્રકનો ડ્રાઇવર બીકનો માર્યો ક્યાંક જતો રહ્યો હતો.તપાસ કરતાં અકસ્માતમાં મરણ જનાર ઇકો ગાડીનો ચાલકનું નામ મોહીતભાઇ શશીકાંતભાઇ ગોહીલ (ઉ.વ.38 હાલ રહેવાસી,ફુલસર ઇન્દીરા આવાસનાં મકાનમાં ભાડેથી, ભાવનગર) હતું.જેથી બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...