બાવળા તાલુકાનાં બગોદરાનાં તલાટી કમ મંત્રી 4 તારીખે સવારે ઘરેથી ગાડી લઈને બગોદરા નોકરી ઉપર ગયા હતાં.બપોરે કામ માટે બગોદરાથી બાવળા આવવા માટે ગાડી લઇને નીકળ્યા હતાં.પરંતુ તલાટી આજદીન સુધી ઘરે પરત નહીં ફરતાં અને તેમનો મોબાઇલ બંધ આવતાં તેમનાં પુત્રએ બગોદરા પોલીસમાં ગુમ થયા બાબતની ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ગુનો નોંધી તેમને શોધખોળ હાથ ધરી છે.
ધોળકામાં સરોડા રોડ ઉપર આવેલી સીધ્ધી વિનાયક સોસાયટી, કલીકુંડમાં રહેતાં રાજેશભાઇ ટાબાભાઇ મેરૈયા (મુળ ગામ, કોઠ , દરબારીવાડી , તા.ધોળકા) બાવળા તાલુકાનાં બગોદરા ગ્રામ પંચાયતમાં 6 વર્ષથી તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે.તે દરરોજ ધોળકાથી બગોદરા સ્વીફ્ટ ગાડી નંબર GJ 01 - RE - 3828 લઈને અપ ડાઉન કરે છે.
4 તારીખે સવારે 9-30 વાગ્યે પોતાની ગાડી લઈને ધોળકાથી બગોદરા ગ્રામ પંચાયતમાં નોકરીએ જવા નીકળ્યા હતાં.તેઓ સાંજનાં 4-30 વાગ્યા સુધી ઘરે નહીં આવતાં તેમનાં પત્ની નીતાબેને તેમનાં મોબાઇલ ઉપર ફોન કરતાં ફોન બંધ આવતાં તેમણે તેમનાં દિકરાને વાત કરી હતી.
અવાર-નવાર ફોન કરતાં ફોન બંધ આવતો હોવાથી રાત્રે 9-30 વાગ્યે બગોદરા ગ્રામ પંચાયતમાં ક્લાર્ક તરીકે કામ કરતાં જોરુભાઇ ગોવિંદભાઇ ચૌહાણને ફોન કરીને પુછતાં જોરૂભાઇએ જણાવ્યું કે રાજેશભાઇ સવારનાં 10 વાગ્યે સ્વીફ્ટ ગાડી લઈને બગોદરા ગ્રામ પંચાયતમાં નોકરીએ આવ્યા હતાં અને હુ તેમની સાથે હતો.
બપોરનાં 2 વાગ્યે રાજેશભાઇ ને કુરીયર કરવાનું હોવાથી અમે બંન્ને જણા તેમની ગાડીમાં બગોદરા ગામનાં નાકા પાસે આવેલી અરજણભાઇ પ્રજાપતિની દુકાનેથી કુરીયર કર્યું હતું. ત્યારપછી મને રાજેશભાઇએ કહ્યું કે મારે બાવળા કામ હોવાથી હું જાઉ છું. તેમ કહી તેઓ એકલા તેમની ગાડી લઈ બગોદરાથી 2-30 વાગ્યે નીકળી ગયા હતાં. ત્યારપછી અવાર નવાર તેમને ફોન કરતાં તેમનો ફોન બંધ આવતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.