નશાનો વેપાર:નશાકારક કફ સીરપની 184 બોટલો રીક્ષામાંથી જપ્ત કરી 2ને પકડી લીધા

બાવળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાવળા પોલીસે માલ મોકલનાર અને માલ મંગાવનાર સહિત 4 વ્યક્તિ વિરુદ્ધ નાર્કોટીક્સનો ગુનો નોંધ્યો, કુલ 1,00,680નો મુદામાલ જપ્ત

બાવળા શહેર અને તાલુકામાં ગેર કાયદેસર સસ્તો નશો કરવા માટે કફ સીરપની બોટલોનું ધૂમ વેચાણ વધી રહ્યું છે. અને યુવાધન સસ્તો નશો કરવા માટે કફ સીરપની બોટલોથી નશો કરીને યુવાધન બરબાદ થઈ રહ્યું છે. એક મહીના પહેલા પોલીસે છ - સાત જગ્યાએ દરોડા પાડીને ગેરકાયદેસર કફ સીરપની બોટલો પકડી પાડીને આરોપીઓ વિરૂદ્ધ નાર્કોટીકસનો ગુનો નોંધતાં કફસીરપની બોટલો વેચતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.થોડા દિવસ પછી આનું વેચાણ ફરીને વધી રહ્યું છે.

ત્યારે પોલીસ મહા નિરીક્ષક વિ.ચન્દ્રશેખર, જીલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને ધોળકા ડી.વાય.એસ.પી.રીના રાઠવાએ નશીલા પદાર્થોનું વેચાણ તેમજ તેની હેરા - ફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા માટે બાવળા પી.આઇ. આર.ડી.સગરને સુચના આપી હતી.જેથી બાવળા પોલીસ તે અનુસંધાને પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદનાં જમાલપુરથી સી.એન.જી. રીક્ષા નંબર GJ 27 W 3539 ગેરકાયદેસર કફ સીરપ ની બોટલોનો જથ્થો ભરીને બાવળા તરફ આવી રહ્યો છે.અને બાવળા તાલુકાનાં નાનોદરા ગામની વ્યકિત GJ 01 JW 1332 લઈને તે લેવા આવવાનો છે.

આ બાતમીનાં આધારે બાવળા પોલીસ રજોડા પાટીયા પાસે વોચમાં ગોઠવાઇ ગયા હતાં.બાતમી મુજબની સી.એન.જી. રીક્ષા અને બાઈક આવતાં પોલીસ પકડવા જતાં પોલીસને જોઇને બંન્ને ભાગવા લાગ્યા હતાં પણ પોલીસે કોર્ડન કરીને બંનેને પકડી પાડીને સી.એન.જી.રીક્ષામાં તપાસ કરતાં રીક્ષામાંથી ગેરકાયદેસર 184 બોટલો કફ સીરપની મળી આવી હતી.જેથી પોલીસે 21,160 રૂપીયાની કફ સીરપની બોટલો,4000 રૂપીયાનાં બે મોબાઇલ,50,000 રૂપીયાની રીક્ષા, 25,000 રૂપીયાનું બાઇક મળી કુલ 1,00,680 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને મોહ્મમદરફીક યાકુબભાઇ સિપાઇ (રહે . કેલીકોમીલ નારાયણદાસની ચાલી, બહેરામપુરા અમદાવાદ ), ભુપતભાઇ ગુલામભાઇ ખલીફા (રહે.રાવળવાસ, નાનોદરા, તા.બાવળા)ને પકડી પાડી જેલનાં સળીયા પાછળ ધકેલી દઈ માલ મોકલનાર માજીદભાઇ ( રહે.જમાલપુર કબ્રસ્તાનની અંદર , અમદાવાદ ) અને માલ મંગાવનાર વિઠ્ઠલભાઇ ચમનભાઇ કોળી પટેલ ( રહે.કવલા તા.બાવળા) ને વોન્ટેડ જાહેર કરીને ચારેય વિરૂદ્ધ નાર્કોટીકસનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બંને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.