તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ પર પથ્થરમારો:શિયાળ ગામે ‘અમને જુગાર નહીં ૨મવા દઈ તહેવાર બગાડો છો’ તેમ કહી જુગારીઓ સહિત 100 લોકોએ પોલીસની ગાડી પર હુમલો કર્યો

બાવળા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુગાર અંગે દરોડા પાડવામાં ગયેલી પોલીસની સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરતા ફરિયાદ
  • જુગારીઓ અને ગામના 100 જેટલા લોકોએ ભેગા મળી પોલીસની ગાડી પર પથ્થર મારો કરી નુકસાન પહોંચાડી લોકરક્ષક દળના જવાનને માર મારી ઇજા પહોંચાડી હતી
  • પોલીસે 18 સામે ગુનો દાખલ કર્યો

બાવળા તાલુકાનાં શિયાળ ગામમાં બગોદરા પોલીસ જુગારની રેઇડ પાડવા જતાં જુગારીઓ અને ગામનાં 100 જેટલા લોકો ભેગા થઈ જઈને ગેરકાયદેસર મંડળી રચીને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરીને તમે વારંવાર જુગાર અંગે રેડ પાડીને અમોને જુગાર રમવા નહીં દઈ અમારો તહેવાર બગાડો છો તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલી પથ્થરમારો કરી લોક૨ક્ષક દળનાં જવાનને બંંને હાથે મુઢ ઇજા કરીને સરકારી બોલેરો ગાડીનાં કાચ તોડી નુકશાન કરી બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી બગોદરા પોલીસે 18 વ્યકિત વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બગોદરા પોલીસમાં અનાર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં સંજયભાઇ જેરામભાઈએ બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે રાત્રે 11 વાગે સરકારી બોલેરો ગાડી નંબર GJ - 38 - GA - 0474 માં ડ્રાઇવર કોન્સ્ટેબલ અજીતસિંહ, જી.આર.ડી. પ્રતાપભાઇ, હોમગાર્ડ અનિલભાઇ નાઇટ રાઉન્ડમાં હતાં અને હાલમાં ચાલતા જન્માષ્ટમી તહેવાર નિમીત્તે વિસ્તારમાં જુગાર અંગે પેટ્રોલીંગમાં હતાં અને 11-30 વાગે ફરતા ફરતા શિયાળ ગામમાં આવેલી ગોહિલફળીમાં શક્તિમાતાના મઢ નજીક ખુલ્લા મેદાનમાં પહોચતા કેટલાક જુગારીઓ ખુલ્લામાં લાઇટના અજવાળે ગોળ કુંડાળું વળી જુગાર રમતા હતાં. દુરથી પોલીસની ગાડી જોઈને તે ભાગવા લાગ્યા હતાં.

ગલી ખાચાંમા ભાગી ગયા હતાં.જેથી શક્તિ માતાના મઢ પાસેના ચોકમાં ગાડી ઉભી રાખતા કેટલાક ઈશમો ભેગા થઈને આવ્યા હતાં.જેમાં સહદેવભાઇ ઉર્ફે સદુ રઘુભાઇ ભરવાડ અને પ્રવિણભાઇ ઉર્ફે ડીગો શામજીભાઇ હદવાણીએ આવીને ઉશ્કેરણી કરી માણસોને ભેગા કર્યા હતાં. આશરે 100 જેટલા માણસો ભેગા થઈ ગયા હતાં. અને અમને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતાં.અને જણાવ્યું કે બગોદરા પોલીસ વારંવાર જુગાર અંગે રેઇડ કરી અમોને જુગાર રમવા નહીં દઈ અમારો તહેવાર બગાડો છો.

તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલી ૫થ્થરમારો કરીને ગાડીનો પાછળના કાચ ફુટી ગયો હતો અને આગળના કાચને નુકશાન થયું હતું.જેથી અમે ગાડી લઈને ગામથી બહાર નીકળતા હતાં ત્યારે ટોળુ એકઠુ થઈને જેમ ફાવે તેમ ગાળો બોલતા હતા. તે વખતે હુ ગાડીની નીચે ઉભો હતો અને બધા માણસોએ મારી ઉપર તથા સરકારી ગાડી ઉપર પથ્થરમારો કરતાં મે મારા બંન્ને હાથ માથા ઉપર આડા ધરી દેતા બંન્ને હાથે મુઢ ઇજા થથા પામી હતી.

જેથી અમે દોડીને ગાડીમાં બેસી ગયા હતાં. તે વખતે લોકો બોલતા હતા કે હવે પછી અમારા શિયાળ ગામમાં જુગાર અંગે કોઈ રેઈડ કરશો તો જાનથી મારી નાખીશું. તેમ કહી આશરે 100 માણસોનુ ટોળુ એકસંપ થઈ ચાલતી ગાડીએ પાછળથી પથ્થરમારો કરવા લાગ્યું હતું.અને આ માણસો ગાડી પાછળ આશરે 200 થી 300 મીટર સુધી પાછળ પથ્થરમારો કરતા આવ્યા હતાં. જેથી તેમણે ટોળામાંથી ઓળખતાં ચંદુભાઇ માલાભાઇ ગોહેલ, રણછોડભાઇ ધનજીભાઇ ગોહેલ, સંજયભાઇ શામજીભાઇ ગોહેલ, પ્રવિણ ઉર્ફે ડીગો શામજીભાઇ હદવાણી, રામાપીરનું આખ્યાન રમાડે છે તે રાઘવ કોળી પટેલ, પ્રતાપભાઇ નરશીભાઇ ગોહેલ, રણજી ઉર્ફે રણુ માધાભાઇ રાઠોડ, નરેશ ઉર્ફે જીગો માધાભાઇ રાઠોડ, ધર્મેન્દ્ર ભરતભાઇ ગોહેલ, સહદેવભાઇ ઉર્ફે સદુ રઘુભાઇ ભરવાડ, દિલીપભાઇ તભાભાઇ ગોહેલ, બળદેવ ઉર્ફ બળો ગોહેલ, ભ૨ત ઉર્ફે ગડાભાઇ ગોહેલ, વિનાભાઇ ઘનશ્યામભાઇ ગોહેલ, હનાનો ભાઇ હદવાણી, જહમત હદવાણી ગલ્લાવાળો, કિરણ ભરતભાઇ ગોહેલ, નિતીન હરીભાઇ ગોહેલ, તમામ રહેવાસી, શિયાળ, તા.બાવળા તથા બીજા 100 જેટલા માણસોએ ફરજમાં રૂકાવટ કરી પથ્થરોથી હુમલો કરી મુઢ ઇજા કરી સરકારી ગાડીના કાચ ફોડી નુકશાન કરી બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ગામમાં બંદોબસ્ત ગોઠવી દઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...