અકસ્માત:બાવળાના રામનગરમાં હાઇ-વે પર કાર ટક્કરથી રાહદારીનું મોત

બાવળા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બપોરે ચાલતી જઇ રહેલી વ્યક્તિને આગળથી ટક્કર મારી હતી

બાવળામાં આવેલા રામનગર હાઇ-વે ઉપર બપોરે ચાલતાં ચાલતાં જઈ રહેલા રાહદારીને ગાડી ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળથી જોરદાર ટક્કર મારતાં તેને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું.જેથી બાવળા પોલીસમાં અકસ્માતની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગાડી ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં રામનગર પાસે આવેલી ફ્લિપ કાર્ડ કંપની પાછળ રહેતાં સેઠિયાભાઇ પોસીયાભાઇ સોનકુસરે (મૂળ રહેવાસી, મણીનગર, અમદાવાદ) મજુરી કરીને પોતાના કુંટુંબનું ગુજરાન ચલાવે છે. તેઓ બપોરનાં સમયે ઘરેથી ચાલતાં ચાલતાં હાઇ-વે ઉપર જઇ રહ્યા હતાં ત્યારે ફલીપ કાર્ડ કંપની સામે રોડ ઉપર આગળથી આવી રહેલી કાર નંબર GJ O3 BW O295નાં ચાલક ડ્રાઇવર ધવલભાઇ હમીરભાઇ ભાદરકા (રહેવાસી, રાજકોટ યુનિવસીટી રોડ ઉપર ( મૂળ રહેવાસી,મેવાસા, તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા)એ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને આગળથી ટકકર મારતાં તેમને માથામાં અને જમણા હાથે ગંભીર ઇજાઓ થવા પામી હતી.

જેથી કોઈએ 108ની સેવાને ફોન કરતાં તરત જ 108 ઘટના સ્થળે પહોંચીને તેમને સારવાર માટે બાવળા સરકારી દવાખાને લાવતા ફરજ ઉપરના ડોક્ટરે મરણ જાહેર કર્યા હતાં.જેથી કિશનભાઇ પોસીયાભાઇ સોનકુસરે બાવળા પોલીસમાં ગાડીનાં ડ્રાઇવર વિરૂધ્ધ અકસ્માતની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશનું પી.એમ.કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હાઇવે પર બેફામ જતાં વાહનચાલકોને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...