બાવળામાં આવેલી સોસાયટીમાં રહેતી એક પરિણીતાએ આવેશમાં આવી પોતાની જાતને સળગાવી દઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આ બનાવ અંગે મૃતકના પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
બાવળામાં આવેલી યોગેશ્વરપાર્ક સોસાયટીમાં રહેતાં રાજેન્દ્રભાઇ પ્રવિણભાઇ ભાનુશાળી પ્રાઇવેટ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. તેમણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે મારી પત્ની વિજયા મારા બંન્ને બાળકો સાથે 13 તારીખે મારી સાસરીમાં જામનગર ગયા હતાં. 20 તારીખે રાત્રે 11 વાગે મારી પત્ની વિજયા, બંન્ને બાળકોને મારા સાસુ કલાવતીબેન તથા મારી બે સાળી મુકવા માટે આવ્યા હતાં.
21 તારીખે સવારનાં સાડા સાત વાગ્યે હું મારી નોકરી ઉપર ગયો હતો. બપોરે મારી બહેન મમતાનો ફોન આવ્યો હતો કે વિજયાભાભી પોતે પોતાની જાતે સળગી ગયા હોવાથી તેમને નાનો ભાઇ અમિત તથા બીજા માણસો સરકારી દવાખાને લઇને ગયા છે.
સરકારી દવાખાને લાવતાં તેને ફરજ ઉપરનાં ડોકટરે મરણ ગયાનું જણાવ્યું હતું. મારા તથા મારી પત્ની વચ્ચે અગાઉ ક્યારેય પણ કોઇ જાતનો ઝઘડો - કંકાસ થયેલ નથી અમારા વચ્ચે કોઇ પણ મનદુખ હતું નહીં . હું તથા મારા ઘરના સભ્યો સંયુકત કુટુંબમાં રહીએ છીએ અને અમે ઘરના સભ્યો મારી પત્નીને સારી રીતે રાખતાં હતાં.
આ બનાવ બનેલ તે વખતે મારા સાસુ તથા મારી બંન્ને સાળીઓ પણ બાવળા મારા ઘરે જ હતાં.મારી પત્ની નાની નાની વાતોમાં આવેશમાં આવી જતી હતી. જેથી બાવળા પોલીસમાં તેને શરીરે આગ લગાડતાં મરણ ગઇ હોવાની ફરીયાદ આપતાં બાવળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.