શિક્ષકોના સંઘમાં સભ્ય બનવાના મુદ્દે કવલા ગામની પ્રાથમિક શાળાના આચાર્યા અને શિક્ષકોનો આંતરિક વિખવાદ વકર્યો છે. ઘણા સમયથી બાળકોના અભ્યાસ પર અસર પડી રહી હોવાથી અકળાયેલા વાલીઓએ શાળાના મુખ્ય દરવાજાને તાળું મારી દીધું હતું. શિક્ષણ વિભાગના સ્થાનિક અધિકારીઓની સમજાવટ છતાં વાલીઓનો આક્રોશ ઠર્યો નહોતો અને શિક્ષકોને બહાર બેસી રહેવું પડ્યું હતું. ગામની પ્રાથમિક શાળામાં 11 શિક્ષકનો સ્ટાફ છે. શિક્ષકોના અંદરોઅંદરના ઝઘડાને લઈને ગ્રામજનોએ ગુરુવારે બપોર પછી શાળાને તાળાબંધી કરી દીધી હતી.
ગ્રામજનોએ સૌપ્રથમ માગણી કરી હતી કે જ્યાં સુધી તમામ સ્ટાફની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી તાળાબંધી રાખવામાં આવશે અને બાળકોને પણ શાળાએ મોકલવામાં આવશે નહીં, તેમ ગામલોકોએ નક્કી કરી લીધું છે. ગુરુવારે બપોરે શાળામાં શિક્ષકોએ અંદરોઅંદર ઝઘડો કર્યો હતો અને બાળકોને છોડી મૂક્યા હતા, જેથી ગામલોકોએ શાળાને તાળાબંધી કરી દીધી હતી. ગામલોકોએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષકો બાળકોને ભણાવતાં જ નથી. મોબાઇલ જુએ છે, ભેગા થઈને બેસી રહે છે અને બાળકો પાસે ખેતરમાં મધ પડાવે છે.
આમ ભણાવવા સિવાયનું કામ કરાવે છે. ચા મુકાવે છે અને આવું લાંબા સમયથી ચાલે છે. શાળાના આચાર્ય ગામલોકોનું સાંભળતા નથી. ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારી માગણી છે કે આચાર્યની બદલી ન થાય ત્યાં સુધી શાળાને તાળાબંધી ચાલુ રાખવામાં આવશે અને જો શાળાનું લૉક ખોલવામાં આવશે તો બાળકોને શાળામાં નહીં મોકલે. લોકોએ ગુરુવારે શાળાને તાળું મારી દીધું હતું અને શુક્રવારે સમય પ્રમાણે સ્ટાફ શાળાએ પહોંચતાં ગામલોકોએ તાળું ખોલ્યું નહોતું.
આથી શાળાનો સ્ટાફ ઝાંપાની બહાર બેસી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં તાલુકાના ટીપીઈઓ ચંદ્રિકાબહેન પટેલ, બીઆરસી કો-ઓર્ડિનેટર દિગ્વિજયસિંહ મોરી શાળાએ પહોંચીને તપાસ કરી ગ્રામજનોને સમજાવ્યા હતા પરંતુ ગ્રામજનો માન્યા નહોતા અને તાળાબંધી ચાલુ રાખી હતી.
મધ પડાવવા બાળકોને મોકલ્યાનું ધ્યાનમાં નથી
5 તારીખે શાળાનાં શિક્ષક હનુભાઈએ મને ફોન કરીને જણાવ્યું હતું કે મુકેશભાઈ પ્રાથમિક શિક્ષક સંઘમાં જતા રહ્યા છે. જેથી મને દગો કર્યો છે હું તેમને નહીં છોડું. અને હવેથી હું કહું તેમ શાળાના નિયમો લાગુ પડશે. પછી શાળામાં તમામ શિક્ષકોને શૈક્ષિક મહાસંઘમાં લવાજમ ભરવા દબાણ કરે છે અને જો લવાજમ નહીં ભરો તો શાળા મારા નિયમો મુજબ ચાલુ કરાવીશ, તેવી ધમકીઓ આપે છે. તેમજ બાળકો પાસે જે મધ પડાવવા મોકલ્યા તે કયા શિક્ષકોએ મોકલ્યા તે મારા ધ્યાનમાં નથી.’ > કોમલબહેન ચાવડા, આચાર્ય
મને બદનામ કરાય છે
અમારી શાળામાં 11માંથી હું એકલો જ શૈક્ષિક મહાસંઘમાં છું. બાકીનાં તમામ પ્રાથમિક શિક્ષક સંઘમાં છે. તેના પ્રમુખ પણ મારી શાળાના છે જેથી તેઓ મને તેમના સંઘમાં જોડાવા દબાણ કરે છે. ગામલોકોએ મને જણાવ્યું કે બાળકોને મધ પાડવા મોકલે છે, બીજાં કામ કરાવે છે. મેં આચાર્યાને પણ જાણ કરી હતી. ધ્યાન રાખવાની ફરજ આચાર્યાની છે. મને બદનામ કરવામાં આવે છે.’ > હનુભાઈ , શિક્ષક
ઉપર રજૂઆત મોકલાઈ છે
કવલા ગામની પ્રાથમિક શાળાને ગામલોકોએ તાળાબંધી કરી હોવાના સમાચાર સાંભળીને તરત જ અમે શાળાએ પહોંચીને ગામલોકો, આચાર્ય અને શિક્ષકોની રજૂઆતો સાંભળીને તમામને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ નિરાકરણ ન આવતાં તમામની રજૂઆતો લઈને જિલ્લા શિક્ષણાધિકારીને મોકલી ઘટનાની રજૂઆત કરવામાં આવી છે. > ચંદ્રિકાબહેન, ટીપીઈઓ,બાવળા તાલુકો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.