બાવળા નગરપાલિકા હદ વિસ્તારની સોસાયટી વિસ્તારમાં આવેલી શ્રેયા સોસાયટી અને નિલકંઠ સોસાયટીનાં રોડ નીચે પીવાના પાણીની પાઇપ લાઇનમાં 10 દિવસથી લીકેજ થવા પામ્યું છે. પાલિકા તંત્ર દ્વારા 8 દિવસથી આ લીકેજ બંધ કરવાની કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે.જેના કારણે પીવાનું પાણી ગંદુ આવે છે.
લીકેજનું કામ કરવા માટે સોસાયટીનાં રોડ પણ તોડવામાં આવ્યા છે. પાલિકા તંત્ર દ્વારા પાણીનાં લાઇનનો કોન્ટ્રાક્ટ જે એજન્સીને આપવામાં આવ્યો છે તે એજન્સીને પાણીનાં નેટવર્કની જાણ પણ નથી તેવા ભાજપનાં સમર્થક કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે, જેથી આવા વ્યકિતનો કોન્ટ્રાક્ટ તાત્કાલીક રદ કરવો જોઈએ. અને પાણીની પાઇપ લાઇનનું લીકેજ તાત્કાલીક શોધી કાઢીને રીપેર કરવામાં આવે અને જે રોડ તોડી નાંખવામાં આવ્યો છે તેને જે પરિસ્થિતિમાં હતો તેવી પરિસ્થિતિમાં બનાવી આપવામાં આવે તેવી અરજી નિલકંઠ સોસાયટીમાં રહેતાં લાભુભાઈ ત્રીકમભાઈ પરમારે પાલિકાનાં ચીફ ઓફીસરને કરી છે.
તેમણે જણાવ્યું છે કે જો 2 દિવસમાં પાણીનું લીકેજ શોધીને રીપેર નહીં કરવામાં આવે તો નગરપાલિકા કચેરી ખાતે સોસાયટીનાં રહીશો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી આપવામાં આવી છે. ગંદુ પાણી આવવાને કારણે લોકોમાં રોગચાળાની દહેશત પણ ફેલાઇ છે. જેથી નાગરિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.