ધોળકા તાલુકાનાં રનોડા ગામનો ખેડુત યુવાન ટ્રેકટરમાં ડાંગર ભરીને બાવળામાં આવેલા જુના માર્કેટયાર્ડમાં હરાજીની લાઈનમાં ટ્રેક્ટર મુકવા બાબતે ત્યાં ક્રિકેટ રમતાં છોકરાઓ સાથે બોલાચાલી થતાં છોકરાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચીને લાકડાના બેટ અને સ્ટમ્પથી મારામારી કરતાં ખેડુત યુવાનનું મોત થવા પામ્યું હતું અને એકને ઈજા થવા પામી હતી.જેથી ધોળકા ખાતે મોટી સંખ્યામાં કોળી પટેલ સમાજનાં લોકો ભેગા થઈ જતાં પોલીસે બંદોબસ્ત ગોઠવી દઈને 13 વ્યકિત સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધોળકા તાલુકાનાં ૨નોડા ગામમાં રહેતાં રણજીતભાઈ નરશીભાઇ કોળી પટેલે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે શુક્રવાર સાંજના સમયે હું તથા મારા દાદાનો દિકરો અમૃતભાઇ ધીરૂભાઇ પરમાર ( કોળી પટેલ ) ડાંગરના ટ્રેકટર ભરી હરાજીમાં મુકવા માટે બાવળા જુના માર્કેટ યાર્ડમાં ગયા હતાં તે વખતે માર્કેટ યાર્ડમાં ગેટ આગળ જઇ અંદર જોતા હરાજીની એક લાઇન ટ્રેકટરોની લાગી ગઇ હતી અને બીજી લાઇનમાં પણ ત્રણ - ચાર ટ્રેકટર ગોઠવાઇ ગયા હોવાથી તે ટ્રેકટરોની બાજુમાં અમારે ટ્રેકટર ગોઠવવનાં હોવાથી મોટો ટર્ન લઇ બીજી લાઇન બાજુ જતાં હતાં
તે વખતે ત્યાં માર્કેટ યાર્ડનાં કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમતાં છોકરાઓ પૈકી એક છોકરો હાથમાં બેટ લઇને મારા ભાઇ અમૃતભાઇનાં ટ્રેકટર પાસે ગયો હતો અને ટ્રેકટર નહી મુકવા બાબતે કંઇક કહેતો હોવાથી હું ત્યાં ગયો હતો તે વખતે બેટ લઇને આવેલો છોકરો કહેતો હતો કે અમે અહીયાં ક્રિકેટ રમીયે છીએ અમે ક્રિકેટ રમીને જઇયે પછી તમે અહીયા ટ્રેકટર મુકજો. જેથી અમે કહ્યું કે અમે અહીયા ટ્રેકટર મુકતાં નથી બીજી લાઇનમાં મુક્વાના છે.પરંતુ વચ્ચે ઓટલો હોવાથી લાંબો ટર્ન લેવા માટે અહીં આવ્યા છીયે અને હરાજીની બીજી લાઇનમાં ટ્રેકટર મુકવા માટે જઇએ છીએ.
અમૃતભાઇએ મારા ભાઇ હિંમતને ફોન કરી ટ્રેકટર મુકવા બાબતે થયેલી બોલાચાલીની વાત કરતાં હિંમતભાઇ બહારથી અંદર આવી ગયા હતાં. જે જગ્યાયે છોકરાઓ ક્રિકેટ રમતા હતાં ત્યાં બધા ટોળે વળેલા હતા અને તેમની બાજુમાં મારા ભાઇનું સ્પ્લેન્ડર બાઇક પડેલું હતું.જેથી હું અને અમૃતભાઇ તરત જ દોડીને ત્યાં ગયા હતાં અને જોયું તો જે છોકરાએ ટ્રેકટર મુકવા બાબતે અમૃતભાઇ સાથે બોલાચાલી કરી હતી તે છોકરો બેટ લઇને મારા ભાઈને જેમ ફાવે તેમ મારતો હતો. જેથી મેં અને અમૃતભાઇએ મારા ભાઈને વધુ મારમાંથી છોડાવ્યા હતાં.
અને પૂછયું કે તમે મારા ભાઇને કેમ મારો છો ? જેથી પીળા કલરનું શર્ટ પહેરેલા છોકરાએ કહ્યું કે તમે કઇ નાતનાં છો. જેથી હિંમતે કહ્યું કે હું કોળી પટેલ છુ.તો આ પીળા કલરના શર્ટ વાળા છોકરા અને બેટવાળા છોકરાએ કહ્યું કે તમે કોળાઓ અમો ભરવાડનું શું તોડી લેવાના છો ? જેથી અમોએ તેઓને ઝઘડો કરવાની ના પાડતાં બેટવાળા છોકરાએ કોઇને ફોન કરતાં દસ મીનીટમાં સ્પેલન્ડર બાઇક ઉપર અને કાળા કલરનાં એક્ટીવા ઉપર એક - એક છોકરો આવ્યો હતો.
અમને જેમ ફાવે તેમ બોલાચાલી કરીને બંન્ને છોકરાએ બેટ લઇને મારા ભાઇ હિંમતને મારવા લાગ્યા હતાં જેથી હું અને અમરતભાઇ મારા ભાઇ હિંમતને બચાવવા વચ્ચે પડતાં આ બંને છોકરાઓએ અને બીજા 2-3 છોકરાઓએ બેટ અને સ્ટમ્પથી અમને બધાને મારવા લાગ્યા હતાં. મારો ભાઇ હિંમત બચીને ભાગવા જતાં થોડે દુર જઈને પડી ગયો હતો અને બેભાન થઇ ગયો હતો. ત્યારબાદ ક્રિકેટ રમવાવાળા અને બીજા છોકરાઓ ત્યાંથી જતાં રહ્યા હતાં.
આ ઝઘડામાં મને હિંમતભાઇને ઇજા થઈ હતી અને મારો ભાઇ હિંમત બેભાન થયો હોવાથી ઊંચકીને માર્કેટયાર્ડની સામેની હોસ્પિટલમાં લઇ ગયા હતાં ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ધોળકા પાશ્વનાથ હોસ્પિટલમાં લઇ ગયા હતાં પરંતુ તેમને સારવાર મળે તે પહેલા તેમનું મોત થવા પામ્યું હતું.જેથી હુમલો કરનાર છોકરાઓ સહિત અન્ય 9 અજાણી વ્યકિત સામે મારામારી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધી બાવળા પોલીસે તમામ સામે ગુનો નોંધી લાશનું પી.એમ.કરાવી હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે મૃતકના પરિવારને ખાતરી આપતા પરિવારે લાશ સ્વીકારી
ઘટનાની જાણ થતાં જ કોળી પટેલ સમાજનાં લોકો મોટી સંખ્યામાં ધોળકા પાશ્વનાથ હોસ્પિટલ ખાતે ભેગા થઈ ગયા હતાં.જેથી ધોળકા ડી.વાય.એસ.પી., એલ.સી.બી., એસ.ઓ.જી.અને જિલ્લાભરની પોલીસનો સ્ટાફ દોડી આવીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મૃતકનાં ઘરનાં સભ્યોએ જયાં સુધી આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી લાશનો સ્વીકાર કરવાની નાં પાડતાં પોલીસની દોડધામ વધી જવા પામી હતી.અને કોળી પટેલ સમાજનાં આગેવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતાં અને પોલીસ અધિકારીઓ સાથે લાંબી મીટીંગ કરીને પોલીસે તમામ આરોપીઓને ઝડપી લેવાની ખાત્રી આપતાં શનિવાર બપોર પછી લાશ સ્વીકારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.