સુપર એક્સક્લૂઝિવ:અમિતભાઈ તો તમારા માટે, અમે પૂનમથી ઓળખીએ! ગૃહમંત્રી શાહને 58મા જન્મદિને વતન માણસાના દોસ્તોએ કહ્યું: 'તુમ્હેં હમારી ઉમર લગ જાયે'

2 મહિનો પહેલા
  • માણસાના ચેવડા-પુરી અને અમદાવાદ જઈ પાંઉભાજીના ચસ્કાના સ્વાદરસિક બનેલા અમિત શાહના નાનપણના ઘરને જુઓ પહેલીવાર
  • બહુચર માતાના મંદિર પાસે રહેતા, નાનપણથી જ સ્વભાવે શાંત-ગંભીર અમિતભાઈ આજે પણ ગામમાં જાય એટલે મિત્રોને અચૂક મળે

ટીકેન્દ્ર રાવલ/આનંદ મોદી: દેશની 130 કરોડની જનતાની સુરક્ષા જેમના હાથમાં છે તેવા કેન્દ્રના ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય અમિત શાહનો આજે 58મો જન્મદિવસ છે. અમિતભાઈ ગુજરાતના ગાંધીનગર પાસેના નાનકડા નગર માણસાના વતની છે. સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાનપણથી માંડીને ભણતર અને તેમના વતન વડનગર વિશે તો સહુકોઈ જાણે છે, પરંતુ આજે મોદીના પડછાયા એવા અમિત શાહના વતનના ઘરથી લઇને તેમના નાનપણનાં સંસ્મરણો અને જ્યાંની શાળામાં તેઓ ભણ્યા હતા એ માણસાનો ખાસ રિપોર્ટ સૌપ્રથમ વખત દિવ્ય ભાસ્કર પર પ્રસ્તુત કરાયો છે.

પ્રથમવાર શાહના વતને જઈ દિવ્ય ભાસ્કરે કર્યો એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યુ
ગુજરાતના ગાંધીનગર પાસેના માણસા ગામમાં જન્મેલા અને ત્યાં જ શાળાકીય શિક્ષણ મેળવ્યા બાદ અમિતભાઈએ અમદાવાદ આવીને રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. આ જ માણસા જઈને દિવ્ય ભાસ્કરે અમિત શાહ સાથે નાનપણમાં જોડે રમેલા મિત્રો સાથે વાતચીત કરી હતી. વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની મિત્રોની બાળપણની યાદો સાથે સૌપ્રથમ વખત અમિત શાહના વતનના નિવાસસ્થાન તેમજ શાળાના તેમના સહપાઠીઓ સાથેના એક્સક્લૂસિવ ફોટા પણ રજૂ કરાયા છે. તો આવો, જાણીએ શું કહે છે શાહના નાનપણના મિત્રો.....

'અમે અમિતભાઈના ઘરે જ રહેતા-જમતા, તેમનાં કપડાં પણ સીવતા'
કેન્દ્રીય ગૃહમંત્રીના જૂના મિત્ર અને વ્યવસાયે દરજી સુધીરકુમાર સકળચંદ સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી. તેમણે શાહ વિશે પોતાની અનેક જૂની યાદો તાજા કરતાં કહ્યું હતું કે "અમે તેમને અમિત શાહથી નથી ઓળખતા. અમે તો તેમને પૂનમથી જ ઓળખીએ છીએ. અમે બાળમંદિરથી લઈને ધોરણ 9 સુધી એકસાથે એક જ બેંચ પર અભ્યાસ કરતા હતા. ત્યાર બાદ તેઓ અમદાવાદ રહેવા જતા રહ્યા હતા. અમિતભાઈ સ્વભાવે એકદમ શાંત અને ગંભીર હતા. અમને આજે પણ વિશ્વાસ નથી થતો કે તેઓ આજે આટલા ઊંચા હોદ્દા સુધી પહોંચ્યા પછી પણ અમારા માટે તો એક નોર્મલ મિત્ર જ છે. અમને કલ્પના પણ ન હતી કે તેઓ દેશ માટે આટલું કામ કરશે. અમિતભાઈએ આજે જે પણ પ્રગતિ કરી છે એ તેમના ઘરના સંસ્કાર છે. તેમનું ઘર ખૂબ જ સંસ્કારી અને તેમણે ચાણક્ય, મુઘલ સામ્રાજ્ય સહિતનાં ઘણાં પુસ્તકો વાંચ્યાં છે. સ્કૂલ સમયમાં અમે અનેકવાર તેમના ઘરે જ રહેતા, વાંચતા અને જમતા હતા. અમિતભાઈનાં કપડાં પણ હું અને મારા ફાધર જ સીવતા હતા. અત્યારે અમિતભાઈ જે પણ જગ્યા પર છે એ તેમના ઘરના સંસ્કારને કારણે છે. ધોરણ 5માં તેઓ પહેલી વખતે ક્લાસના મોનિટરનું ઈલેક્શન લડ્યા હતા અને જીત્યા પણ હતા. અમે તો અમારું 10-20 વર્ષનું આયુષ્ય તેમને આપવા માગીએ છીએ, જેથી તેઓ દેશ માટે વધારે પ્રગતિ કરતા રહે."

આટલા ઊંચા હોદ્દા પર હોવા છતાં અમિતભાઈ 'કમ્પ્લિટ ફેમિલીમેન'
સુધીરકુમારે વધુમાં જણાવ્યું હતું કે અમિતભાઈ જમવાના પણ ખૂબ જ શોખીન. અહીં માણસાનો ચેવડો-પૂરી તેમને ખૂબ ભાવે. ત્યાર બાદ અમદાવાદ ગયા પછી તેમને પાંઉભાજી ખાવાનો શોખ વધારે હતો. રાજકારણની વાત કરું તો, અમિતભાઈ હાલમાં જે પોસ્ટ પર છે એમાં જ તેઓ દેશ માટે વધારે કામ કરી શકશે, પરંતુ વડાપ્રધાનના પ્રોટોકોલમાં તેઓ વધારે કામ ન કરી શકે, એટલે અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે તેઓ આ જ જગ્યા પર રહે. અમિતભાઈ રાજકારણની સાથે પારિવારિક પ્રસંગોમાં પણ અચૂક હાજરી આપે છે. અમારા માણસા ગામ માટે બહુ જ ગૌરવની વાત છે કે તેમણે આજે બે દિવસનો સમય કાઢ્યો, જૂના મંદિરને નવું કરાવ્યું અને તેઓ આ જ રીતે ધીમે-ધીમે માણસાની પ્રગતિ કરે એવી અમારી ગણતરી છે. આજે આપણો દેશ આટલો આગળ છે એ અમિતભાઈની 56ની છાતીથી આગળ છે. આજે ગુંડારાજમાંથી પણ સીટો લાવી એ બહુ જિગરની વાત છે. આજે આટલા બધા સાંસદોમાંથી કોઈની તાકાત નથી કે આટલું બોલી શકે. અમિતભાઈ પાસેથી દેશમાં તમામને રોજગારી મળે એવી આપેક્ષા છે. અમિતભાઈએ બધાનાં કામ કર્યાં છે.

અમિતભાઈને અમે મિત્રો બહુચર માતાએ રમવા જતાઃ યોગેશકુમાર
શાહના વધુ એક જૂના મિત્ર યોગેશકુમાર મફતલાલ જોષીએ પણ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મારા નાનપણથી જ અમિતભાઈ સાથે સંબંધો છે. અમે એકસાથે રમતા-સ્કૂલે જતા હતા. અંદાજે 10 વર્ષ અમે એકબીજાના પરિચયમાં રહ્યા. નાનપણથી જ અમિતભાઈ એકદમ સાદા-સિમ્પલ રહેતા હતા. તેમનો ક્યારેય કોઈની સાથે ઝઘડો નહીં, કોઈની સાથે વધારે બોલવાનું નહીં. એકદમ શાંત સ્વભાવના હતા. અમે એકસાથે લખોટી, ગિલ્લી-ડંડા, બેટબોલ રમતા હતા. અમિતભાઈ માણસાના બહુચર માતાએ અમારા મિત્રો સાથે રમવા આવતા હતા. હમણા 3-4 મહિના પહેલાં માણસા આવ્યા હતા ત્યારે પણ તેઓ અમને બધાં ભાઈબંધોને મળ્યાં હતાં. અમિતભાઈ જ્યારે પણ માણસા આવે ત્યારે બહુચર માતાએ અચૂક આવતા હતા. આજે પણ તેઓ ગામના તમામ જૂના લોકોને ઓળખે છે.

મામાએ કહ્યું, અમિતભાઈ એટલા સરળ કે મંદિરના પગથિયે મારી સાથે બેસી જાય
શાહના મામા મુકુંદભાઈ મોહનલાલ શાહે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અહીં પોણાબસો વર્ષ જૂની ગોવર્ધનનાથજીની પુષ્ટિમાર્ગીય હવેલી છે. અમિતભાઈ જ્યારે પણ માણસા પધારે છે ત્યારે અહીં દર્શન કરવા આવે છે. અમિતભાઈ સ્વભાવના એટલા સરળ માણસ છે કે અહીં મંદિરે આવે અને હું પગથિયાં પર બેઠો હોઉં તો મને પહેલા પગે લાગે અને પછી મારી બાજુમાં પગથિયાં પર જ બેસી જાય. આજે પણ કોઈની સાથે ઊંચા અવાજે વાત કરતા નથી અને તમામ લોકો સાથે પ્રેમથી જ વાત કરે. માણસામાં બહુચર માતાના મંદિરની સામે જ અમિતભાઈના બાપ-દાદાના વખતનું જૂનું ઘર છે અને ત્યાં જ તેઓ નાનપણમાં રહેતા હતા.

(તસવીરો-વીડિયો: કિશન પ્રજાપતિ)

અન્ય સમાચારો પણ છે...