તપાસ:બાવળાના ધરજી ગામમાં શિકારની બાતમીની શંકામાં યુવકની હત્યા કરી

બાવળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હત્યારાએ યુવકની હત્યા કરી લાશ નળસરોવરમાં ફેંકી દઇને ગુનાની કબૂલાત કરતો વીડિયો બનાવી પોતે પણ ગળે ફાંસો ખાઇ લેતા ચકચાર

બાવળા તાલુકાનાં ધરજી ગામમાં નળ સરોવરમાં શિકારની બાતમી આપ્યાની શંકા રાખીને પઢારે ભરવાડની હત્યા કરી લાશને નળ સરોવરમાં ફેંકી દઈને હત્યારાએ ગળે ફાંસો ખાતાં પહેલા હત્યા કર્યાની કબૂલાત કરતો મોબાઇલમાં વીડિયો બનાવીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.ભરવાડની લાશ બે દિવસની ભારે શોધખોળ બાદ નળ સરોવરમાંથી મળી આવી હતી.નળ સરોવર પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં ધરજી ગામની સીમમાં નળ સરોવર વિસ્તારમાં શિકારની બાતમી આપ્યાનો વહેમ રાખીને હત્યાનો બનાવ બનવા પામ્યો છે. નળસરોવર વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ધરજી ગામ પાસે જુપાળી માતાનાં મંદીર નજીક 30મી તારીખે ધરજી (દુર્ગી) ગામનાં નટુભાઇ ઉર્ફે થોડો કસાભાઇ પઢારની ગળે ફાંસો ખાધેલી લાશ મળી હતી. જેથી નળસરોવર પોલીસ સ્ટેશનમાં જાણ થતાં પોલીસ ઘટનાં સ્થળે દોડી આવીને લાશને પી.એમ.માટે મોકલી આપીને એ.ડી. ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાઇરલ થયો હતો. જેમાં મરણ જનાર યુવાને પોતે એક ભરવાડની હત્યા કરીને તેની લાશને નળ સરોવરમાં ફેંકી દીધી છે.તેવો વિડિયો તેને બનાવ્યો હતો.જેથી પોલીસે તપાસ કરતાં ગામનાં સગરામભાઇ જોધાભાઇ ભરવાડને મોતને ઘાટ ઉતારી તેની લાશ નળસરોવરમાં ફેંકી દીધી હતી.અને પોલીસ તપાસમાં જણાયું હતું કે આ પઢાર શિકાર કરતાં હોવાની બાતમી સગરામભાઇએ આપી હોવાનું મનદુઃખ રાખી મોતને ઘાટ ઉતાર્યા હતો. વિડીયોમાં નટુભાઇ પઢાર કહેતા સંભળાય છે. તેમણે એક ભરવાડ શખ્સની હત્યા કરી છે.

બીજા કોઈને દોષિત ના માનતા.એને ના માર્યો હોત તો એ મને મારી નાંખત એટલે મે આ કામ કર્યું છે.ને હું હવે ગળે ફાંસો ખાઉ છું. આ વિડિયોનાં આધારે પોલીસે મૃતક સગરામભાઇ ભરવાડની લાશને શોધવા માટે નળસરોવરનો વિસ્તાર ખુંદી વળ્યા હતાં.નળસરોવર પોલીસ અને ફોરેસ્ટ અધીકારીઓ પાંચથી વધુ હોડીઓ 40 જેટલો સ્ટાફને લઈ પાણીમાં લાશની બે દિવસ સુધી શોધખોળ કર્યા બાદ સગરામભાઇની લાશ મળી હતી.

જેથી ગામમાં બંને સમાજ વચ્ચે અથડામણ થવાની શક્યતાનાં પગલે સમગ્ર પંથકમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.અને પોલીસે લાશનું પી.એમ.કરાવીને મૃતક સગરામભાઈ જોધાભાઇ ભરવાડનાં પુત્ર દિપકભાઇની ફરિયાદનાં આધારે જયેશભાઇ સામજીભાઇ પઢાર , શિવાભાઇ ભરતભાઇ પઢાર અને નટુભાઇ ઉર્ફે ઘોડો કસાભાઇ પઢાર સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે .

અન્ય સમાચારો પણ છે...