સ્પીકર વગાડવા મુદ્દે અથડામણ‎:બાવળાના મીઠાપુરમાં એક જ કોમનાં 2 જૂથ બાખડતાં 8ને ઇજા, ફરિયાદ‎

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાવળા તાલુકાનાં મીઠાપુર ગામમાં આવેલા રામજીમંદીરમાં રાત્રીનાં સ્પીકર વગાડવા બાબતે તલવાર, ફરસી, લોખંડની પાઇપ, ધારીયુ, લાકડી જેવા હથિયારોથી હુમલો કરતાં 2 મહીલા સહીત 8 વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ થતાં 108 ને ફોન કરતાં 108 માં સારવાર માટે લઈ જઈને દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ બગોદરા પોલીસને થતાં તરત જ ગામ ઉપર પહોંચી જઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં મીઠાપુર ગામમાં આવેલા રાઠોડ ફળીમાં રહેતાં મહેન્દ્રભાઇ લાલજીભાઇ રાઠોડે ( કોળી ૫ટેલ ) બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે 29 એપ્રિલે રાત્રે સાડા 10 વાગે અમારા ઘરની નજીક આવેલા રામજી મંદીરમાં ભજન સ્પીકરમાં વગાડતાં હોવાથી મારા કુટુંબીભાઇ ભરતભાઇ કરશનભાઇ રાઠોડે રામજી મંદીરનાં પુજારી રાજારામ બાપુને કહ્યું કે તમો જોરથી આ સ્પીકર વગાડો છો, જેથી અમારું ઘર નજીક હોવાથી અમારા ઘરે અવાજ બહું આવતો હોવાથી અમારા છોકરાઓ સુતા નથી. જેથી સ્પીકર બંધ કરી દો તેમ કહેતાં સ્પીકર બંધ કરી દીધું હતું.

1 મે નાં રોજ રાત્રે હું જમીને ઘરનાં ધાબા ઉપર સુતો હતો.ત્યારે સવા દસ વાગે ઘરની નજીક આવેલા રામજી મંદીર ખાતે સ્પીકર ચાલુ થયું હતું અને થોડીવારમાં ઘ૨ નજીક જોરજોરથી બુમો પાડી ગાળો બોલતાં હોવાનો અવાજ આવતાં હું દોડીને નીચે જઈને જોયું તો ગામનાં કેશુભાઇ છગનભાઇ ગોહીલ, દીપકભાઇ ગોહીલ, પ્રકાશભાઇ ગોહીલ, મુકેશભાઇ ગોહીલ, બટુકભાઇ ગોહીલ,ઘનશ્યામભાઇ ગોહીલ, પ્રદીપભાઇ ગોહીલ, શાંતીભાઇ ગોહીલ, દશરથભાઇ ગોહીલ તમામ કોળી પટેલ એકસંપ થઇને તલવાર, ફરસી, લોખંડની પાઇપ, ધારીયુ, લાકડી જેવા મારક હથિયારો લઇને આવીને જોરજોરથી મારા પિતા તથા મારા ભાઇ ભરતભાઇને જેમ ફાવે તેમ ગાળો બોલી ભરતભાઇને કહેતાં હતાં કે, તું કેમ રાત્રીનાં મંદીરનું સ્પીકર બંધ કરાવવા આવ્યો હતો, અમો અહી મંદીરે સ્પીકર ચાલુ કરી ભજન વગાડવાનાં છીએ તારે થાય તે કરી લેજે. તેમ કહી જોરજોરથી બોલી ગાળો બોલતાં હતા.

ભરતભાઇએ આ લોકોને ગાળો બોલવાની નાં પાડતાં તેઓ એકદમ ઉશ્કેરાઇ જઇને હથીયારોથી હુમલો કરતાં ભરતભાઇને માથામાંથી લોહી નીકળતાં બુમાબુમ કરતાં અમારા ઘરનાં સભ્યો દોડી આવીને વચ્ચે પડતાં તમામ ઉપર હથીયારથી હુમલો કરતાં 2 મહીલા સહીત 8 વ્યકિતને ઇજા થતાં અમારા ફળીયાનાં માણસો ભેગા થઇ જતાં અમને વધુ માર માંથી છોડાવતાં આ માણસો અમને કહેવા લાગ્યા કે હવે જો રામજી મંદીરનું સ્પીકર ચાલું જ રહેશે જો તમે બંધ કરાવવા આવશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપીને હથિયારો લઇ જતાં રહ્યા હતાં.

કોઇએ 108 ને ફોન કરતાં બગોદરા અને ફેદરાની ઇમરજન્સી વાન આવી પહોંચતાં તમામ ઈજાગ્રસ્તોને બગોદરા સરકારી દવાખાને લઇ ગયા હતાં ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતાં. ઘટનાંની જાણ થતાં બગોદરા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો બગોદરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...