હુમલો:કાવીઠામાં ખેતરની માથાકુટમાં લાકડીથી માર મારતાં 2ને ઈજા

બાવળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં આવવાનું નહીં તેમ જણાવી દંપતી પર હુમલો કરાયો, કારના કાચ પણ તોડાયા, પોલીસ ફરિયાદ નોંધાઇ

બાવળા તાલુકાનાં કાવીઠામાં ખેતરની તકરારનુ મનદુ:ખ રાખી બોલાચાલી કરી લાકડીથી માર મારીને ગાડીનાં કાચ તોડી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં કાવીઠા ગામમાં રહેતાં રીનાબેન રામસિંહ રાઠોડે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે હુ અને મારા પતિ ઘરે હાજર હતાં ત્યારે ગામનાં રાઠોડ વિજયસિંહ હિંમતસિંહ તથા હિંમતસિંહ પ્રતાપસિંહ રાઠોડ લાકડી લઇને આવીને જેમફાવે તેમ બોલતા હતાં અને જેમાં વિજયસિંહ પીધેલી હાલતમા હતાં.આ બન્ને ઘરે આવી મારા પતિને કહ્યું કે તારા ટાંટીયા ભાંગી નાખવાનાં છે અને તને જાનથી મારી નાખવાનો છે તેમ કહી વિજયસિંહે મારા પતિને પગમાં લાકડી મારી હતી. અને મને હિમંતસિંહે માથાનાં ભાગે મારવા જતાં મારા પતિએ હાથ આડો કરતાં મને જમણા કાનની ઉપરનાં ભાગે વાગ્યું હતું.

અમે બન્નેને ગળદાપાટુનો મુઢ માર માર્યો હતો. મારા પતિ ભાગીને બહાર જતાં બળવંતસિંહ પ્રતાપસિંહ રાઠોડ તથા રમણસિંહ પ્રતાપસિંહ રાઠોડ બહાર ઉભા હોવાથી તેમણે મારા પતિને પગમાં લાકડી મારી હતી અને પછી આ લોકો ગાળો બોલતા બોલતા જતા રહ્યા હતાં. થોડીવાર ૫છી આ લોકો પાછા આવીને મારી ગાડી સ્વીફટ ડીઝાયર બહાર પડી હોવાથી લાકડીઓ મારીને કાચ તોડી નુકશાન કર્યું હતું. અને જતા જતા કહેતા હતા કે આજે તો તું બચી ગયો છે હવે પછી તને જાનથી મારી નાખવાની છે.તેવી ધમકી આપીને જતા રહ્યા હતાં.

જેથી તેમણે બાવળા પોલીસમાં ખેતર બાબતે તકરાર ચાલતી હોવાથી અમોને ખેતરે તમારે આવવાનુ નહી તેમ કહી બોલાચાલી કરીને જેનુ મનદુ:ખ રાખી ચારેય જણાએ લાકડી માર માર્યાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...