પોલીસ ફરિયાદ:બાવળાના કાવીઠામાં મારી મમ્મીને કેમ બોલ્યો તેમ કહી લાકડીથી માર્યો

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

બાવળા તાલુકાનાં કાવીઠા ગામમાં મેલડી માતાજીનાં મંદિરે દિવાબત્તી કરવા જતાં વ્યકિતને રસ્તામાં મારા મમ્મીને ગાળો કેમ બોલતો હતો તેમ કહી લાકડી વડે આડેધડ માર મારી મુઢ ઇજાઓ કરીને શરીરે ગડદા પાટુનો મૂઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેમણે બાવળા પોલીસમાં બે વ્યકિત સામે ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં કાવીઠા ગામમાં ટેકરાવાળા વાસમાં રહેતાં અજયભાઈ પુનાભાઈ રાઠોડ ચાંગોદર ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરીને પોતાના કુટુંબનું જીવન ચલાવે છે. તેમણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે સાંજનાં છ વાગ્યે હું મારા ઘરેથી અમારા મહોલ્લામાં આવેલા મેલડી માતાજીનાં મંદિરે દિવાબત્તી કરવા જતો હતો.

તે વખતે મારા કાકા ગણપતભાઈનાં ઘર આગળથી જતો હતો ત્યારે મારા કાકાનો દિકરો અનિલભાઈ મને જોર જોરથી ગાળો બોલવા લાગતાં મેં તેને ગાળો બોલવાની નાં પાડતાં તે મને કહેવા લાગ્યો કે બે દિવસ અગાઉ કેમ મારા મમ્મીને ગાળો બોલતો હતો તેમ કહી હાથમાં લાકડી લઈને આવીને એકદમ ઉશ્કેરીઇ જઈ મને આડેધડ મારવા લાગ્યા હતો. અને તે જ વખતે મારા કાકાનો બીજો દિકરો વિપુલભાઈએ પણ આવી મને નીચે પાડી દઈ ગડદા - પાટુનો માર મારવા લાગ્યો હતો.

જેથી મેં બૂમાબૂમ કરતાં અમારા ફળીયાનાં બાબુભાઈ મોહનભાઇ તથા ભનુભાઇ જેસંગભાઇએ મને વધુ મારમાંથી છોડાવ્યો હતો. અને બંને ભાઈઓ જતાં જતાં કહેતાં હતાં કે ફરીવાર મારા મમ્મીને જો કાંઈ બોલ્યોશું તો જીવતો નહીં રહે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ હું મારા ઘરે ગયો હતો અને થોડીવારમાં મારા માતા - પિતા ખેતરેથી ઘરે આવતાં મને બરડાનાં ભાગે તથા ડાબી બાજુ પડખામાં છાતીનાં ભાગે દુ:ખાવો થતો હોવાથી રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવીને બાવળા પોલીસમાં બંને વિરૂદ્ધ માર માર્યાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...