વિવાદ:બાવળા APMCમાં વેપારીઓએ હરાજી ન કરાતાં ખેડૂતોનો હોબાળો

બાવળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપારીઓએ અચાનક ખરીદી બંધ કરી દેતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. - Divya Bhaskar
વેપારીઓએ અચાનક ખરીદી બંધ કરી દેતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.
  • ભાડે વાહન કરીને ખેડૂતો માલ વેચવા આવ્યા હતા, 500 જેટલા ખેડૂતોને ડાંગર ઘરે પાછી લઈ જવી પડી, વેપારીઓએ સીધી ખરીદી કરી

બાવળામાં મોડી રાતથી કમોસમી ઝરમર વરસાદ પડ્યો હતો.ખેડુતો આગળનાં દિવસથી પોતાની ડાંગર વેચવા માટે ટ્રેકટરો ભરીને બાવળા એ.પી.એમ.સી.માં આવી ગયા હતાં.સવારે પણ કમોસમી વરસાદી છાંટા ચાલુ રહેતાં વેપારીઓએ આવીને હરાજી નહીં થાય તેમ કહીને જતાં રહ્યા હતાં.અને અમુક વેપારીએ સીધો માલ ખરીદતાં વેપારીઓએ હોબાળો કરીને માર્કેટયાર્ડનો ઝાંપો બંધ કરી દઈને ઝાંપા આગળ ટ્રેક્ટરો મુકી દઈને હરાજી ચાલુ કરવા જણાવ્યું હતું.પરંતુ બપોર સુધી વેપારીઓ નહીં આવતાં ખેડુતોને વીલા મોઢે પોતાનો માલ પાછો લઇને જવું પડયું હતું.

માર્કેટયાર્ડમાં બાવળા, ધોળકા, સાણંદ, દસ્ક્રોઇ, વિરમગામ, ખેડા, ખંભાત, તારાપુર, ધંધુકા તાલુકામાંથી ખેડુતો પોતાની ડાંગર વેચવા માટે આવે છે.તેવી ગુરૂવારે સાંજથી જ તમામ તાલુકામાંથી આશરે 500 જેટલા ખેડુતો પોતાની ડાંગર ટ્રેકટરોમાં ભરીને બાવળા એ.પી.એમ.સી.માં હરાજી માટે આવ્યા હતાં.પરંતુ રાત્રે ત્રણ વાગ્યા પછી કમોસમી વરસાદી છાંટા પડતાં ખેડુતોઓ પોતાનો માલ બચાવવા માટે પ્રયત્નો કર્યા હતાં.સવારે રાબેતા મુજબ વેપારીઓ નવ વાગે હરાજી કરવા માટે આવ્યા હતાં.પરંતુ વરસાદી છાંટા ચાલુ રહેતાં તેમજ બે દિવસ વરસાદની આગાહી હોવાથી વેપારીઓએ હરાજી ચાલુ કરી નહોતી અને જાહેરાત કરી દીધી હતી કે વરસાદનાં કારણે હરાજી થશે નહીં.તેમ કહીને વેપારીઓ જતાં રહ્યા હતાં.

જેથી ખેડુતો વિફર્યા હતાં.અને હોબાળો કરીને માર્કેટયાર્ડનો ઝાંપો બંધ કરી દઈને ઝાંપા બહાર ટ્રેકટરો મુકીને માર્કેટ બંધ કરી દીધું હતું.અને હરાજી ચાલુ કરાવો તેવી જીદ પકડીને ઝાંપા પાસે ઉભા રહી ગયા હતાં.અને એ.પી.એમ.સી.નાં ચેરમેન અને હોદ્દેદારોને બોલાવો અને હરાજી ચાલુ કરાવો તેવા સુત્રોચ્ચાર કર્યા હતાં.માર્કેટ બહાર ટ્રાફીક થઈ જતાં અને ખેડુતોએ હોબાળો કરતાં માર્કેટયાર્ડનાં કર્મચારીએ કોઈ અનિચ્છનીય બનાવ નાં બને તે માટે પોલીસને જાણ કરતાં બાવળા પોલીસ તરત જ દોડી આવીને રોડ ઉપરથી ટ્રેક્ટરો હટાવીને રસ્તો ખુલ્લો કરાવી દીધો હતો.

બપોર દોઢ વાગ્યા સુધી કોઈ વેપારીઓ હરાજી કરવા નહીં આવતાં તેમજ માર્કેટયાર્ડનાં ચેરમેન કે કોઈ હોદ્દેદારો નહીં આવતાં ખેડુતોએ વીલા મોઢેં પોતાની ડાંગર લઇને પરત જવાનો વારો આવ્યો હતો. ખેડુતોએ જણાવ્યું હતું કે અમે અમારી ડાંગર વેચવા માટે આવ્યા હતાં.અમને તો ખબર પણ નહોતી કે વરસાદ પડશે. પરંતુ કમોસમી વરસાદ પડતાં વેપારીઓ હરાજી કર્યા વગર જતાં રહ્યા હતાં.અને ઘણા વેપારીઓએ અંદરથી જ સીધો માલ ખરીદી કરી હતી. જો સીધી ખરીદી કરી શકતાં હોય તો હરાજી કેમ નાં કરી ?અમે મજુરી ચુકવીને માલ ભરાવીને ટ્રેક્ટરો ભાડે કરીને અને ડીઝલ બાળીને આવ્યા છીએ. હરાજી નહીં થતાં માલ પાછો લઇ જવાનો.જેથી માલ ઉતારવાની પણ મજુરી આપવાની.ટ્રેકટરનું ભાડુ પણ આપવાનું.અને ફરીથી માલ વેચવા માટે લાવવાનો થાય ત્યારે ફરીથી ટ્રેક્ટરનું ભાડુ અને મજુરી આપવાની થશે.અને અમારે માલ સાચવવા માટે પણ જગ્યાઓ હોતી નથી.

વરસાદમાં અમારે ક્યાં માલ રાખવો. હરાજી નહીં થતાં અમે એ.પી.એમ.સી.નાં ચેરમેન અને હોદ્દેદારોને ફોન કર્યા પણ તેઓ ફોન ઉપાડતાં પણ નથી.અને આવ્યા પણ નહીં.જેથી ખેડુતોનો તેમના ઉપર ભારે આક્રોશ જોવા મળ્યો હતો.અને વરસાદ રહી ગયો છંતા વેપારીઓ બપોર સુધી નહીં આવતાં નાં છૂટકે અમારે અમારો માલ પરત લઇને જવો પડે છે.જેથી અમને ભારે નુકશાની ભોગવવાનો વારો આવશે.એ.પી.એમ.સી. દ્વારા ખેડુતોને માટે રહેવાની કે માલને સાચવવાની કોઈ સગવડ પણ આપવામાં આવતી નથી.એ.પી.એમ.સી.નાં કર્મચારી હિંમતસિહે જણાવ્યું હતું કે વેપારીઓ સવારે આવ્યા હતાં પણ વરસાદ થતાં તેઓ હરાજી કર્યા વગર જતાં રહ્યા હતાં.વેપારીઓની મીલોમાં ડાંગર સાચવવાની જગ્યા નહીં હોવાથી માલ ક્યાં સાચવે ? તેથી હરાજી કરી નહોતી.અને જ્યાં સુધી ઉધાડ નહીં નીકળે ત્યાં સુધી હરાજી નહીં થાય તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...