માતા-પિતાના ઠપકા અથવા મારના ડરથી ઘણી વખત છોકરા-છોકરીઓ ઘર છોડી જતા રહેતા હોવાના કિસ્સાઓ બને છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા એક પરિવારના ભાઈ-બહેન માતા-પિતાના ઠપકા અને મારના ડરથી ઘર છોડીને નીકળી ગયા હતા. મેઘાણીનગર વિસ્તારમાં બંને ફરતા હતા ત્યારે એક જાગૃત નાગરિકે બંને ભાઈ-બહેનને એકલા જોઈ અને મહિલા હેલ્પલાઇન અભ્યમની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે બંનેને પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, અમારે ઘરે જવું નથી.
ટીચરે પ્રેમની જાણ વિદ્યાર્થિનીની માતાને કરી
મહિલા હેલ્પલાઇન 181ની મણીનગર લોકેશનની ટીમના અંજના વોરા દ્વારા બંને બાળકોનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, બંને ભાઈ-બહેન છે અને પૂર્વ વિસ્તારમાં રહે છે. છોકરી 14 વરસની અને છોકરો 13 વર્ષનો છે. છોકરી ધોરણ નવમાં ભણે છે. થોડા દિવસ પહેલા ટીચરને જાણ થઈ હતી કે છોકરી સ્કૂલના જ એક છોકરા સાથે વાત કરે છે અને તેનો બોયફ્રેન્ડ છે. જેથી ટીચરે આ વાતની જાણ તેની માતાને કરી હતી. માતાએ આ વાત જાણી અને છોકરી ઉપર ખૂબ જ ગુસ્સો કર્યો હતો. તેની માતાએ જણાવ્યું હતું કે, આજે તારા પપ્પાને આવવા દે હું તેમને કહું છું અને માર ખવડાવવું છું. બસ આટલી વાત કહેતાની સાથે જ છોકરી ડરી ગઈ હતી.
પપ્પા મારી જ નાખશે ના ડરે ઘરેથી નીકળી ગઈ
આજે તેના પપ્પા આવશે તો તેને મારી જ નાખશે. પપ્પાના મારના ડરથી છોકરી ખૂબ જ ડરી ગઈ હતી અને તેણે ઘર છોડીને જવાનો નિર્ણય લીધો હતો. પોતે એકલી જવાની જગ્યાએ તેના ભાઈને પણ સાથે લઈ અને ગઈ હતી અને બંને ભાઈ-બહેન તેમના ઘરેથી નીકળી ગયા હતા. છોકરી પોતાના બોયફ્રેન્ડને ફોન કરી અને મળવા બોલાવવાનો પ્રયત્ન કરતી હતી. તેની સાથે જવું હતું પરંતુ તેના બોયફ્રેન્ડએ ફોન જ ઉપાડ્યો ન હતો. મેઘાણીનગર વિસ્તારમાં ફરતા હતા, ત્યારે આ એક જાગૃત નાગરિક તેમને જોઈ જતા મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમના કાઉન્સેલર અંજના વોરાએ આ તમામ બાબત જાણી અને તેમના પપ્પાને કરી હતી અને દિકરી તેમની પાસે છે, ચિંતા નહીં કરો તેવું જણાવ્યું હતું. ત્યારબાદ તેમની પાસેથી સરનામું લઈ અને બંને બાળકો સાથે તેઓ તેમના ઘરે પહોંચ્યા હતા.
અભ્યમની ટીમે માતા-પિતાને પણ સમજાવ્યાં
માતા-પિતા સાથે વાત કરતા જાણવા મળ્યુ કે, પાંચ કલાકથી તેઓ ઘરેથી નીકળી ગયા હતા અને તેઓની શોધખોળ કરતા હતા. માતા-પિતાને સમજાવવામાં આવ્યું હતું કે, બાળકોને મારીને નહીં, પરંતુ તેને સમજાવવાના હોય છે. પ્રેમથી સમજાવી અને તેઓને આવી રીતે આ ઉંમર મળવાની છે. જેથી તેઓએ ભણવામાં ધ્યાન આપવું જોઈએ, આવી રીતે પ્રેમ સંબંધમાં ધ્યાન આપશે તો તેઓની કારકિર્દી બનશે નહીં. જેથી પ્રેમથી સમજાવવા જોઈએ આમ ઘર છોડી અને નીકળી ગયેલા બંને ભાઈ બહેનને મહિલા હેલ્પલાઇનની ટીમે સહીસલામત તેમના માતા-પિતાને સોંપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.