આવેદન:ખેડૂતની હત્યાના આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો બાવળા બંધના એલાનની ચીમકી

બાવળા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. - Divya Bhaskar
સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
  • બાવળા માર્કેટયાર્ડમાં ખેડૂતની થયેલી હત્યામાં તમામ આરોપીને તાત્કાલિક ધરપકડ કરવા આવેદન
  • 13 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો પરંતુ હજુ સુધી માત્ર એક જ આરોપીની પોલીસે ધરપકડ કરી છે

બાવળામાં આવેલા માર્કેટયાર્ડમાં ધોળકા તાલુકાનાં ૨નોડા ગામનાં ખેડુતનું ટ્રેક્ટર પાર્ક કરવા માટે ક્રિકેટ રમતાં છોકરાઓ સાથે માથાકુટ થતાં છોકરાઓ અને તેમનાં સાગરીતોએ બેટ અને સ્ટમ્પથી માર મારતાં ખેડુતનું મોત થવા પામ્યું હતું. બાવળા પોલીસે 13 આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી એક આરોપીને ઝડપી લીધો છે.બાકીનાં આરોપીઓને તાત્કાલીક પકડી લેવા અને કડક કાર્યવાહી કરવા માટે કોળી પટેલ સમાજનાં યુવાનોએ બાવળા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ધોળકા તાલુકાનાં રનોડા ગામનાં ખેડુત હિંમતભાઈ નરસિંહભાઈ પરમાર 6 તારીખે ટ્રેકટર ડાંગર ભરીને હરાજીમાં વેચવા માટે બાવળા માર્કેટયાર્ડમાં આવ્યા હતાં. માર્કેટયાર્ડમાં ટ્રેક્ટર પાર્ક કરવા માટે ત્યાં ક્રિકેટ રમતાં છોકરાઓ સાથે બોલાચાલી થતાં છોકરાઓએ તેમનાં સાગરીતોને બોલાવીને બેટ અને સ્ટમ્પથી મારામારી કરતાં હિંમતભાઈનું હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મોત થતાં કોળી પટેલ સમાજ મોટી સંખ્યામાં ભેગો થઈ જતાં બાવળા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઇને ફરિયાદનાં આધારે બાવળા પોલીસે 13 વ્યકિત સામે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવાં ચક્રો ગતિમાન કર્યા હતાં.

જેમાં બાવળા પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. હજુસુધી બીજા આરોપીઓ નહીં પકડાતાં બાવળાનાં કોળી પટેલ સમાજનાં યુવાનોએ બાવળા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.જેમાં જણાવ્યું છે કે 6 તારીખે હિંમતભાઈની હત્યામાં સામેલ તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને ભવિષ્યમાં આ પ્રકારની અનિચ્છનીય ઘટના બને નહીં તે હેતુથી આરોપીઓ વિરૂદ્ધ કડક હાથે કાનુની કાર્યવાહી કરવામાં આવે તે ઈચ્છનીય છે. આરોપીઓ વિરૂદ્ધ કડક હાથે કાનુની કાર્યવાહી નહિં કરવામાં આવે તો સમસ્ત કોળી સમાજ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.અને જરૂર પડ્યે બાવળા તાલુકાની સમગ્ર જનતાને સાથે લઈને બાવળા બંધનું એલાન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...