બાવળા તાલુકાનાં જીવાપુરા રૂપાલ ગામમાં ઘર આગળનાં રોડ ઉપરથી આવવાનું નહીં તેવા જાતી વિષયક અપમાનિત અપશબ્દો બોલી ગાળાગાળી ઝઘડો કરી લોખંડની પાઇપથી માર મારીને આજ પછી અમારા ઘર બાજુ આવતો નહીં નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી આપતાં બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાવળા તાલુકાનાં રૂપાલ-જીવાપુરામાં રહેતાં નિરજનભાઇ મગનભાઇ શ્રીમાળીએ બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે 31 તારીખે ગામના નઝીરભાઇ ગનીભાઇ વોરાએ મને શૌચાલય બનાવવાનાં સરકારી કામ માટે માલસામાનની ખરીદી કરવા આપેલા રૂપિયામાંથી વધેલા રૂપિયા આપવા તેમના ઘર બાજુ ગયો હતો.
હું આરીફભાઇ ગનીભાઇ મીસ્ત્રીનાં ઘર આગળ જઇ નઝીરભાઇને ફોન કર્યો કે હું તમારા રૂપિયા આપવા માટે આવું છું . તો નઝીરભાઇએ મને જણાવ્યું કે તમે ત્યાં રોડ બાજુ ઉભા રહો હું પાંચેક મિનિટમાં આવું છું. જેથી આરીફભાઇનાં ઘર આગળ ઊભો રહી નઝીરભાઇની વાટ જોતો હતો તે વખતે ઇબ્રાહીમશા દાઉદશા ફકીરે જાતિવાચક શબ્દો બોલીને કહ્યું કે આ બાજુથી આવતો નહીં અને ગાળા ગાળી કરતાં તેમને ગાળાગાળી કરવાની અને ઝઘડો કરવાની ના પાડતાં તેણે પાઈપથી માર મારતાં હાથે ફેક્ચર થયું હતું અને પગે ઇજા થઇ હતી.
આ દરમિયાન સાહેદાબેન મકસુંદભાઇ વોરા નીકળતા તેમણેએ ઝઘડો નહીં કરવા ઇબ્રાહીમશાને સમજાવેલ અને મેં પણ મને વધુ માર નહી મારવા આજીજી કરીને ત્યાંથી નીકળી બાવળા રૂપાલ રોડ ઉપર મકસુંદભાઇ નુરભાઇ વોરાના મકાન આગળ જઇને ઊભો રહેતાં નઝીરભાઇ તેમનું બાઇક લઇ મારી પાસે આવતાં તેમને આપવાનાં 3,000 રૂપિયા આપ્યા હતાં. વાતો કરતા હતાં ત્યારે ઇબ્રાહીમશા ત્યાં આવીને ફરીવાર મારી સાથે ગાળા ગાળી ઝઘડો કરીને પાઇપ મારવા ઉગામતા નઝીરભાઇએ પાઇપ પકડી લઇ મને બચાવ્યો હતો.
ત્યારબાદ નઝીરભાઇએ અમને ઝઘડો નહીં કરવાનું કહેતાં ઇબ્રાહીમશાએ ફરીવાર મને જાતીવિષયક અપમાન જનક શબ્દો બોલી આજપછી અમારા ઘર બાજુ આવતો નહીં નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને જતાં રહ્યા હતો. જેથી બાવળા સરકારી દવાખાને અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવીને બાવળા પોલીસમાં ઇબ્રાહીમશા વિરૂદ્ધ મારામારી મને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.