તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:બાવળાના છબાસરની જમીન લઇ 7.19 કરોડ નહીં ચૂકવી છેતરપિંડી કર્યાની 6 વ્યક્તિ સામે ફરિયાદ

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 1 સરવે નંબરના 1.80 કરોડ આપી વિશ્વાસ ઊભો કરી 5 સરવે નંબરની જમીનોના વેચાણ દસ્તાવેજ કરી, આપેલા ચેક બાઉન્સ થયા હતા : સમજૂતી લેખમાં થયેલી શરતોનું પાલન ન કર્યું

બાવળા તાલુકાનાં આદરોડા ગામમાં આવેલી કિંગ્સવિલા સ્કીમનાં માલીકે બાવળા પોલીસમાં છબાસર ગામની જમીન શુક્ર બુલીયન્સ લીમીટેડના 6 ભાગીદારોને વેચાણ આપી હતી.જેમાંથી 1 સર્વે નંબરનાં એક કરોડ એસી લાખ રૂપીયા આપી દઈને વિશ્વાસ ઉભો કરીને બાકીના 5 સર્વે નંબરની જમીનોના વેચાણ દસ્તાવેજો કરી લઇ જમીન વેચાણનાં અવેજમાં આપેલા ચેક બાઉન્સ થયા હતાં. જેથી સમાધાન થતાં સમજુતી લેખ કરીને બાઉન્સ થયેલા ચેકોની સામે બીજા ચેકો કલીયર કરાવીને સમજુતી લેખમાં કરેલી શરતોનું પાલન નહી કરીને 7,19,80,000 રૂપીયાનું નુકશાન કર્યુ હતું. જેથી તેમણે બાવળા પોલીસમાં વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદનાં સેટેલાઇટમાં રહેતાં સમીર દિલીપભાઇ શાહ કિંગ્સટન ઈન્ફ્રાકોન તથા કિંગ્સ મારવેલાની ભાગીદારી પેઢી ચલાવે છે.અને તેમની બાવળા તાલુકાનાં આદરોડા ગામમાં કીંગ્સ વીલા બંગ્લોઝની સ્કીમ આવેલી છે. બાવળા તાલુકાનાં છબાસર ગામનાં સર્વે નંબર 700, 709, 694, 695, 667, 669ની જમીન અલગ અલગ ખેડુતો પાસેથી તેમણે વેચાણ રાખી હતી. 2018 ની સાલમાં અમદાવાદમાં આવેલી શુક્ર બુલીયન્સ લીમીટેડના ભાગીદાર ચંદ્રકાંત હિમંતલાલ શાહ સાથે જમીન દલાલ વિકી પ્રેમનારાયણ ગુપ્તા અને શેતલ ૨મણીકલાલ દરજીએ તેમની ઓફીસે મુલાકાત કરાવી હતી.

છબાસરની જમીન ખરીદવાની ચંદ્રકાંતભાઇ શાહએ ઇચ્છા દર્શાવી હતી. બીજા દિવસે ચંદ્રકાંતભાઈએ ફોન કર્યો કે અમારી શુક્ર બુલીયન્સ લીમીટેડના ભાગીદારોમાં તેમની પત્ની મયુરીબેન, અનીલકુમાર મોતીલાલ પટેલ તથા સંદિપ કુસુમચંદ શાહ, મીટુ નીલેશકુમાર શાહ, એજાજઅહેમદ મહેમદહુસેન પુઠાવાલા સાથે અમારે વાતચીત થઇ ગઇ છે અને તમારી છબાસરની એન.એ થયેલી જમીન ખરીદવા માંગીએ છીએ. જેથી આ જમીનનો 14,20,00,000 રૂપીયામાં સોદો નક્કી થયો હતો. આ જમીનમાંથી સર્વે નંબર 700 વાળી જમીન 1,80,00,0000 રૂપીયામાં શુક્ર બુલીયસ લીમીટેડ વતી ચંદ્રકાંત શાહને રજી.વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. જેનાં રૂપીયા સમયસર ચુકવી આપ્યા હતા.ત્યારબાદ ચંદ્રકાંતભાઇ શાહે તેમને જણાવ્યું કે તમારી બાકીની જમીનનાં ટાઇટલ કલીયર મળી ગયા છે જેથી તેના દસ્તાવેજ કરી લેવા માંગીએ છીએ.

હાલ બને તેટલા રૂપીયા કરી આપીએ છીએ અને ધીરે ધીરે બાકીનું પેમેન્ટ પણ કલીયર કરી દઇશુ. તેવી વાત કરતા તેમના વિશ્વાસ અને ભરોસા ઉપર છબાસરની સીમમાં આવેલી બાકીની સર્વે 709,694,695,667,669 નંબરની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવાનું નક્કી થયું હતું. જેની કુલ કિમત 12,40,20,000 રૂપીયા નકકી થયા હતાં. જેમાંથી ટી.ડી.એસ.નાં 12,40,000 નાં બાદ કરીને કુલ 5,7,80,000 રૂપીયા મળ્યા હતા.અને બાકીની રકમ 7,19,80,000 રૂપીયાના શુક્ર બુલીયન્સ લીમીટેડે આઇ.સી.આઈ.સી.આઇ.બેંકનાં જુદી જુદી રકમનાં 13 ચેકો આપ્યા હતાં.

વિશ્વાસ અને ભરોસાથી વેચાણ દસ્તાવેજો કરી આપ્યા હતાં.જેમાંથી 10 ચેક કિંગ્સટન ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીના કોટક મહીન્દ્રા બેંક લી. નારણપુરા બ્રાંચના એકાઉન્ટમાં ભર્યા હતાં.આ ચેકો જુદી જુદી તારીખે રીટર્ન થયા હતા.જેથી ચંદ્રકાંતભાઇને વાત કરતા તેઓએ કહ્યું કે થોડો સમય રાહ જોઓ થોડા સમયમાં ચુકતે કરી આપીશુ.પરંતુ ઘણો લાંબો સમય થવા છતા અમને કોઇ રૂપીયા નહી આપતા શુક્ર બુલીયન્સ લી.ના ભાગીદારો તથા ચંદ્રકાંતભાઇ શાહ વિરૂધ્ધ મેટ્રો કોર્ટ અમદાવાદ તથા મીરજાપુર કોર્ટ અમદાવાદ ગ્રામ્યમાં ને.ઇ.એકટની કલમ 138 મુજબ ફરીયાદ કરી હતી.

તેમજ ધોળકા કોર્ટમાં દિવાની દાવા દાખલ કર્યા હતા. ત્યારબાદ રાજુભાઇ ધુળાભાઇ જોષીએ મધ્યરથી બન્યા હતા અને કહ્યું કે તમારા પૈસા વહેલી તકે જેટલા બનશે તેટલા ચંદ્રકાંતભાઇ પાસેથી અપાવીશ.અને બાકીની જગ્યાના તમોને રીટર્ન દસ્તાવેજ કરી આપશે.જેથી મેટ્રો કોર્ટ, મીરજાપુર કોર્ટ અને ધોળકા કોર્ટનાં દાવા -કેસ કરેલ છે તે તમો પરત ખેચી લો. પછી નોટરી ચેતન.એન.આચાર્ય નોટરીએ સમાધાન પુર્વ સમજુતી કરાર કર્યો હતો. જેથી તે પછીની તારીખના 3 ચેક બેંકમાં ભર્યા નહીં.

ત્યારબાદ ચંદ્રકાંતભાઈએ સમજુતી કરાર પ્રમાણે અવાર નવાર જાણ કરવા છતા સહકાર આપતા નહીં હોવાથી ચંદ્રકાંતભાઇ શાહને અવાર નવાર તેઓની ઓફીસે તથા તેઓને ફોનથી વાત કરતા ચંદ્રકાંતભાઇએ કહ્યું કે તુ મારી ચાલમાં બરાબર ફસાઇ ગયો છે મેં તારી સાથે સમજુતી કરાર કરી તારી પાસે મારે જે કરાવવાનું હતું તે કરાવી લીધું છે. અને તારા કેસ બધા નબળા કરી દીધા છે. હવે તારાથી જે થાય તે કરી લે. તેવી ધમકી આપી હતી.

જેથી તેમણે બાવળા પોલીસમાં શુક્ર બુલીવન્સ લી.ના ચંદ્રકાંતભાઇ હિંમતલાલ શાહ, તેમના ભાગીદારો મયુરીબેન ચંદ્રકાંતભાઇ શાહ, બંને રહેવાસી, (શીરોમણી ટાવર,સેટેલાઇટ રોડ,નહેરૂનગર, અમદાવાદ), અનીલકુમાર મોતીલાલ પટેલ (તુલસીવાડી, મુંબઇ), સંદિપ કુસુમચંદ શાહ (ગોરેગાંવ,મુંબઇ), મીટુ નીલેશકુમાર શાહ ( રૂત્વીજ એપાર્ટમેન્ટ, મેમનગર,અમદાવાદ), એજાજએમદ મહંમદહુસેન પુઠાવાલા ( રાજનગર કોમ્પલેક્ષ, રાજનગર ચાર રસ્તા, પાલડી, અમદાવાદ ) વિરૂદ્ધ 7,19,80,000 રૂપીયાનો વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...