ફરિયાદ:બાવળામાં STના કાચ તોડનાર 2 વ્યક્તિ સામે ફરિયાદ

બાવળા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધોળકા એસ.ટી.ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં ભરતસિંહ રવુભા ગોહિલે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે 9 તારીખે બપોરે ધોળકા એસ.ટી. ડેપોમાંથી એસ.ટી બસ નંબર જી.જે. 18 - Z - 1670 ચલાવી ધોળકાથી સરગવાળા ગયો હતો અને સરગવાળાથી અમદાવાદ ગયો હતો.સાંજનાં અમદાવાદથી ધોળકા તાલુકાના વારણા ગામે વાયો બાવળા થઇ જવા નિકળ્યો હતો. તે વખતે ફાટક બંધ થઇ જસે તેમ માની હું મારી બસ ફટાફટ ચલાવીને જતો હતો તે વખતે મારી બાજુમાંથી એક પલ્સર બાઇક ઉપર બે લોકો નીકળ્યા હતાં.

થોડે આગળ જતા રાશમ તરફ જતાં રસ્તા ઉપર પલ્સર બાઈકવાળા ભાઇ તેના હાથમાં લાકડી લઇને ઉભો હતો અને લાકડી બસના પાછળના ભાગે મારતાં બસનો કાચ તૂટી જતાં હું નીચે ઉતર્યો હતો. જેથી તે ભાઈ જેમફાવે તેમ ગાળો બોલીને કહેવા લાગ્યો કે કેમ તું બસ ધીમે ચલાવતો નથી. તેમ કહી મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.અને લાકડી મને મારવા જતાં હું નીચે નમી જતા કાનની નીચે ઇજા થઇ હતી.બીજા ભાઇના હાથમાં પથ્થર હતો અને તે કહેતો હતો કે રવી માર રવી માર તેમ કહી બોલતો હતો.

ઝઘડો થતા આજુબાજુમાં બીજા માણસો ભેગા થઇ જતાં પલ્સર ડ્રાઇવરનું નામ રવી કોળી પટેલ હોવાનું મને વાતોવાતથી જાણવા મળ્યું હતું. મારી સાથેના કંડકટરે મને વધુ મારમાંથી છોડાવ્યો હતો. બાદ અમે અમારી બસમાં બેસીને હું બસ ચલાવી ત્યાંથી નિકળીને ઘોડે આગળ જતા રેલ્વે ફાટક બંધ થઇ જતાં મેં મારી બસ બંધ કરી બસ ઉભી રાખી તો આ બંન્ને જણાં તેમનું પલ્સર લઇ પાછળ પાછળ આવીને રવી કોળી પટેલે લાકડીથી મારી બસનાં આગળના કાચ ઉપર મારતાં મારી બસનો આગળનો કાચ તોડી નાંખ્યો હતો.

પથ્થરથી બસ ઉપર આડેધડ ઘા મારતાં બસમાં બેઠેલા પેસેન્જરો માંથી 1-2 ને બસના કાચ વાગવાથી મુઢ ઇજા થઇ હતી. બાદ ફાટક બંધ હોવાથી બીજા માણસો ત્યાં આવી જતાં બંને જણાં તેમનું બાઇક અને લોકડી ત્યાં જ મુકીને ભાગી ગયા હતાં. જેથી બાવળા પોલીસમાં રવી કોળી પટેલ અને બીજા અજાણી વ્યકિત વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...