બરવાળા લઠ્ઠાકાંડ:લઠ્ઠાકાંડની ઘટના પછી બાવળા પોલીસ જાગી દરોડા પાડી 7 બુટલેગરને દારૂ-વૉશ સાથે પકડ્યા

બાવળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંટાવાળા વાસ, વિઠ્ઠલ આશ્રમ, બોરડીવાળા જીન, સાણંદ રોડ, રાશમ, વાસણા, જુવાલમાં દરોડા પાડ્યા
  • બાવળા પોલીસે 2 દિવસમાં જ 7 ઠેકાણે દરોડા પાડી 59 લીટર દેશી દારૂ પકડ્યો

બરવાળા તાલુકાનાં રોજીદ ગામમાં બનેલી લઠ્ઠાકાંડ જેવી ઘટનાંમાં 57 લોકોનાં જીવ ગયા છે. આ ઘટનાંમાં ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી ઘટના બને નહીં તે માટે બાવળા પોલીસ એકદમ એક્શનમાં આવી ગઇ છે. 2 દિવસમાં બાવળા પોલીસે જુદી-જુદી જગ્યાએ દરોડા પાડીને 7 બુટલેગરને દેશી દારૂ વેચતાં પકડી લીધા છે.

બાવળા પી.આઇ. આર.ડી.સગર, કોન્સ્ટેબલ અશોકભાઇ અને તેમની ટીમે પેટ્રોલીંગ કરીને બાવળામાં આવેલા વાંટાવાળા વાસમાં રહેતાં વિરસંગજી પોપટજી ઠાકોર પોતાના ઘરે દેશી દારૂ વેચતો હોવાથી તેમનાં ઘરેથી 11 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.તેમજ બાવળામાં સ્ટેશન રોડ ઉપર આવેલા વિઠ્ઠલ આશ્રમમાં રહેતાં અશોક વિભાજી ઠાકોર સાણંદ ચોકડી પાસે હાઇ-વે ઉપર બાંધેલા ઝપડામાં દેશી દારૂ વેચતાં તેની પાસેથી 10 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.

બાવળામાં આવેલા બોરડીવાળા જીનમાં રહેતાં રામજી મુળજીભાઇ ઠાકોર સાણંદ રોડ ઉપર આવેલા ગલ્લાની બાજુમાં દેશી દારૂ વેચતો હોવાથી તેની પાસેથી 11 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. બાવળામાં આવેલા આર્ય સમાજ મંદિરની સામે રહેતાં સમુબેન હરચંદજી ઠાકોર ઘરે દેશી દારૂનું વેચાણ કરતાં હોવાથી તેમની પાસેથી 13 લીટર દેશી દારૂ સાથે તેમને ઝડપી લીધા હતાં. તેમજ તાલુકાનાં રાશમ ગામમાં આવેલા નવાનગરમાં રહેતાં મહેન્દ્રસિહ ભૂપતસિહ રાઠોડ ઘરે દેશી દારૂ વેચતાં હોવાથી તેમનાં ઘરેથી 14 લીટર દેશી દારૂ સાથે તેમને ઝડપી લીધા હતાં.

વાસણા ગામમાં આવેલા દેવીપૂજક વાસમાં રહેતાં કનુ સુલતાનભાઇ દેવીપૂજક પોતાના ઘરે દેશી દારૂ ગાળવાનો ધંધો કરે છે જેથી પોલીસે દરોડો પાડીને તેનાં ઘરેથી દેશીદારૂ ગાળવાનો 15 લીટર વોશ મળી આવતાં તેને પકડી પાડયો હતો.તેમજ તાલુકાનાં જુવાલ ગામમાં આવેલા ઝાંપડીયાવાસમાં રહેતાં જયોત્સનાબેન રમેશભાઈ દેવીપૂજક પોતાનાં ઘરે દેશી દારૂ ગાળવાનો ધંધો કરે છે તેથી પોલીસે તેનાં ઘરે દરોડો પાડીને તેમનાં ઘરેથી 20 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ મળી આવતાં તેને જપ્ત કરીને તેને પકડી લીધા હતાં.

આમ બાવળા પોલીસે 2 દિવસમાં 5 બુટલેગરને દેશી દારૂ વેચતાં તેમજ 2 બુટલેગરને દેશી દારૂ ગાળવાનાં વોશ સાથે ઝડપી લઇને તમામ વિરૂદ્ધ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...