બાવળા નગરપાલિકાએ આઝાદી કા અમૃત મહોત્સવ વેરા વળતર યોજનાનો લાભ લેવા મિલકત ધારકો માટે જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ જે તે મિલકતધારકોને પાછલા વર્ષોના બાકી વેરા ઉપરના વ્યાજની 100 % માફી આપવામાં આવે છે. તેમ છતાં અમુક મિલકતધારકો બાવળા નગરપાલિકાના બાકી વેરાને ગંભીરતાથી લેતા નથી અને વેરો ભરતાં નથી. આથી નાછૂટકે બાવળા નગરપાલિકાએ 17 મિલકતોની જપ્તીની નોટિસ ફટકારી હતી.
જો જે તે મિલકતધારક નિર્ધારિત સમયમર્યાદામાં મિલકતવેરાની ચૂકવણી નહીં કરે તો મિલકતોને સીલ કરવામાં આવશે. હાલમાં બાવળા નગરપાલિકાના વહીવટીદાર તરીકે મુકાયેલા મામલતદાર સી.એલ. સુતરીયા દ્વારા પણ વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવવા તેમજ બાકીદારોની મિલકતને સીલ કરવાની સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં બાકી મિલકતવેરા ધારકોનું લિસ્ટ જાહેરસ્થળોએ મુકવામાં આવશે તેમજ સમાચારપત્રોમાં પણ પ્રસિધ્ધ કરવામાં આવશે.
જેથી બાવળા નગરપાલિકાના તમામ બાકીદારોને મિલકત જપ્તી તેમજ સીલ થવાના સંજોગોમાં શરમજનક સ્થિતિમાં મુકાવું ના પડે તેથી તેઓનો બાકી વેરો સમયસર ભરવા ચીફ ઓફિસર સિધ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સિવાય બાવળા નગરપાલિકા ખાતે વ્યવસાય વેરામાં પણ પાછલા વર્ષોની બાકી રકમ ઉપર રાહત આપવાની વળતર યોજના અમલમાં છે. બાવળા નગરપાલિકા ખાતે વ્યવસાય કરતાં તમામ વ્યાપારી મિત્રોને આ યોજનાનો લાભ લેવા જણાવવામાં આવ્યું હતું. આ બંને યોજનાઓ આગામી 31 માર્ચ સુધી અમલમાં રહેશે જેનો મહત્તમ લાભ લેવા જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.