દુર્ઘટના:બગોદરા પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતાં મોત નીપજ્યું

બાવળા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બગોદરાની કંપનીમાં મજૂરો પર દેખરેખ રાખતો શખ્સ ચાલીને કંપની પર નોકરીએ જઇ રહ્યો હતો ત્યારે બનેલો બનાવ, બગોદરા પોલીસે ફરાર થયેલા આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા

બગોદરા પાસે રાત્રે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડની સાઇડમાં ચાલતા રાહદારીને ટક્કર મારીને જતાં રહેતાં ગંભીર ઇજાઓ થતાં સારવાર મળે તે પહેલા જ મોત થતાં બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી નાશી છૂટેલા વાહન ચાલકને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બગોદરામાં આવેલા સદભાવ કેમ્પમાં રહેતાં દીપક જયશંકર મિશ્રાએ બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તે સદભાવ એન્જીન્સીરીંગ પ્રા.લી કંપનીમાં સ્ટ્રકચર એન્જીનીયર તરીકે નોકરી કરે છે.

તેમની સાથે સુપરવાઇઝર તરીકે જીતેન્દ્ર જયરામ ત્રીપાઠી ( રહેવાસી,મુળ ગામ તેલાની, મધ્યપ્રદેશ) મજુરોના કામ ઉપર દેખરેખ રાખે છે. સાંજના પોણા સાત વાગે ફોન આવ્યો કે તમે ક્યાં છો હું કાલે બીજે કામ કરવા જવાનો છુ તો આજે સાથે તુલસી હોટલમાં જમી લઇએ અને હું બગોદરા ટોલટેક્ષ નજીક કામ કરું છું અને ચાલીને આવું છુ. જેથી મે કહ્યું કે હું પણ ચાલીને આવુ છુ. સાંજના સાત વાગે મેં આ જીતેન્દ્રને ફોન કર્યો કે હું ધંધુકા ચોકડી પાસે પહોંચી ગયો છું.જેથી તેણે કહ્યું કે તમો ઉભા રહો.

રાત્રે આઠ વાગે બગોદરા લીંબડી જતા હાઇવે રોડની સાઇડમાં એક માણસ બેઠો હતો અને મે નજીક માં જઇને જોયું તો તે જીતેન્દ્ર હતો. અને તેના મોઢામાંથી લોહી નીકળતું હતું તેમજ જમણો હાથ છોલાઈ ગયેલો હતો તેમજ શર્ટની બાય ફાટી ગઈ હતી. જેથી મને જીતેન્દ્રનો અકસ્માત થયાનું જણાતાં આજુબાજુ તપાસ કરતા કોઇ વાહન મળી આવ્યું નહીં હોવાથી અમારી કંપનીમાં કામ કરતાં બચુભાઇને ટ્રેકટર લઇને બોલાવતાં તે તરત જ આવી જતાં જીતેન્દ્રને ટ્રેકટરની ટ્રોલીમાં સુવાડી બગોદરા સરકારી દવાખાને લઇ જતાં ત્યાં તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થવા પામ્યું હતું.

જેથી બગોદરા પોલીસને જાણ થતાં બગોદરા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી લાશનું પી.એમ.કરાવીને નાશી છૂટેલા વાહન ચાલકને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, બગોદરા હાઇવે પરથી પસાર થતાં વાહનો બેફામ દોડતા હોવાથી અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

જેના કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. પોલીસ દ્વારા રોડ પર અમુક અંતરે સ્પીડબ્રેકર સહિતની વ્યવસ્થા કરાય તેવી માગણી ઉઠવા પામી છે. ખાસ કરીને રાતના સમયે ભારે વાહનો તથા કાર સહિતના વાહનો બેફામ સ્પીડે જતાં હોવાથી અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ત્યારે બેફામ દોડતાં વાહનો પર અંકુશ લાવવાની તાતી જરૂરિયાત ઉભી છે.

અન્ય સમાચારો પણ છે...