બાવળાના યુવકનો આપઘાત:3 લાખ આપી લગ્ન કરાવ્યા બાદ વચેટિયાએ વધુ 2 લાખની માગતા યુવાન સોડામાં સેલ્ફોસ નાખી ગટગટાવી ગયો

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની તસવીર - Divya Bhaskar
મૃતકની તસવીર

બાવળામાં ૨હેતાં યુવાનનાં લગ્ન માટે 3 લાખ રૂપીયા લઈને ફુલહાર કરાવી લગ્ન કરાવ્યા હતાં. લગ્નનાં એક મહિના પછી છોકરીનાં ઘરના માણસોએ સાસરીમાં નહીં મોકલતાં અને તેને લઈ જવી હોય તો બીજા 2 લાખ રૂપિયા આપવા પડશે તેમ કહેતાં હોવાથી તેમના ત્રાસથી કંટાળી જઈને યુવાને ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત થતાં બાવળા પોલીસમાં મરવા માટે દુષપ્રેરણા કરી એકબીજાની મદદગારીથી ગુનો કર્યાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળામાં પઢારવાસમાં રહેતાં જયોત્સનાબેન દશરથભાઈ ઠાકોરે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે 7 તારીખે સવારથી હું તથા મારો મોટો દિકરો લાલજીભાઈ ઉર્ફે અર્જુન અમારી હોટલ ઉપર હાજર હતાં. નવેક વાગ્યે મારા દિકરા લાલજીએ મને કહ્યું કે મમ્મી હું ઘરે જઈને આવું છું તેમ કહી તે એક્ટીવા લઈને ઘરે જવા નીકળ્યો હતો. થોડીવારમાં મારો નાનો દિકરો પ્રવીણ ઘરેથી દુકાને આવેલો અને હું રીક્ષામાં ઘરે આવવા નીકળેલી અને આશરે સાડા દસેક વાગ્યે હું ઘરે પહોંચેલી અને હું તથા મારા પતિ તથા મારા નાના દિકરાની વહુ બધા ઘરે હાજર હતાં.

મારા પતિ હોટલે જવાની તૈયારી કરતા હોવાથી હું અને મારા પતિ ઓસરીમાં ઉભા હતાં તે વખતે આશરે અગિયારેક વાગ્યે લાલજી ઘરે આવ્યો હતો.જેથી મેં તેને કહ્યું કે તું તો ક્યારનોય હોટલેથી નીકળ્યો હતો તો ઘરે આવવામાં આટલું મોડું કેમ થયુ. લાલજી રડવા લાગ્યો જેથી મેં તેને પુછ્યું કે શું થયું છે તો લાલજીએ રડતાં રડતાં કહ્યું કે મનિષાનો ફોન હતો. તેને અહીં આવવું છે પરંતુ આ લગ્ન કરાવનારા કરણ વિનોદભાઈ પટેલ અને તેમનાં મમ્મી વિદ્યાબેન ઉર્ફે જયોત્સનાબેન વિનોદભાઈ પટેલ (બંને રહેવાસી, ગેરતપુર ફાટક પાસે, શ્રીજી સોસાયટી, તા.દસક્રોઈ) મનિષાને ઘરે મોકલવાની નાં પાડે છે અને કહે છે કે તમારે મનિષાને લઈ જવી હોય તો બીજા 2 લાખ રૂપીયા આપવા પડશે. જેથી મેં તે ને કહ્યું કે તું ચિતાં ના કર બધું બરાબર થઈ જશે.

તે પછી લાલજી ફળીયામાં પડેલાં એક્ટીવા પાસે જઈને એક્ટીવાની ડેકીમાંથી લાલ કલરની સ્ટીંગ સોડાની બોટલ કાઢીને અમારી સામે જ પીવા લાગ્યો હતો. સોડાની બોટલ હોવાથી અમને લાગ્યું કે સોડા પીવે છે પણ અડધી બોટલ પીધા પછી લાલજીએ બુમ પાડીને કહ્યું કે મમ્મી મેં સોડા ભેગી સેલ્ફોસની દવા મીક્ષ કરી પી લીધી છે. તેમ કહી અડધી બોટલ નીચે ફળીયામાં ફેંકી દીધી હતી. જેથી હું અને મારા પતિ દોડીને લાલજી પાસે જઇને મોઢામાં આંગળા નાખી ઉલટીઓ કરાવતાં તેણે ઉલટી કરી હતી.અને તેને બાવળાની ખાનગી હોસ્પીટલમાં લઈ જઈને દાખલ કર્યો હતો.

ત્યાં લાલજીને કહ્યું કે બેટા તારે આવું પગલું ભરવાની શું જરૂર હતી.લાલજીએ જણાવ્યું કે કરણભાઈ અને તેમનાં મમ્મી જ્યોત્સનાબેન મનિષાનાં લગ્ન કરાવવાનાં રૂપીયા માંગતા આપણે એમને લગ્ન પહેલા 3 લાખ આપ્યા છે અને આપણે જયારે મનિષાને આપણા ઘરે મોકલી આપવાનું કહેવા જઈએ છીએ ત્યારે તેઓ વારેવારે હવે મનિષાને લઈ જવી હોય તો બીજા 2 લાખ આપવા પડશે. તેમ કહેતાં હોવાથી તેમના ત્રાસથી કંટાળી જઈને મેં આ પગલું ભર્યું છે. અને તેનો વીડીયો મેં મારા મોબાઈલમાં બનાવ્યો છે.ત્યાંથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

ત્યાં સારવાર માટે વધારે ફી ભરવાનું કહેતાં અમારી પાસે રૂપીયા નહી હોવાથી અમે તેને પાછો બાવળા દવાખાને લાવી રહ્યા હતાં ત્યારે તેનું રસ્તામાં મોત થયુ હતું.જેથી બાવળા પોલીસમાં મારા દિકરા લાલજીભાઈ ઉર્ફે અર્જુન દશરથભાઈ ઠાકોરના લગ્ન માટે છોકરી બતાવવા રમણભાઈ કમશીભાઈ ભરવાડે કરણભાઈ વિનોદભાઈ પટેલ અને તેમના મમ્મી વિદ્યાબેન ઉર્ફે જ્યોત્સનાબેન વિનોદભાઈ પટેલ સાથે કોન્ટેક્ટ કરાવ્યો હતો. જે બન્નેએ મારા દિકરાનાં લગ્ન મનિષાબેન જીવણભાઈ ડાભી સાથે કરાવવા 3 લાખ લીધા હતાં. અને લગ્નનાં મહિના પછી મનિષાને તેમનાં ઘરનાં માણસો અમારા ઘરે મોકલતાં નહોતાં.

અન્ય સમાચારો પણ છે...