બાવળામાં આવેલા માર્કેટયાર્ડમાં ધોળકા તાલુકાનાં ૨નોડા ગામનાં ખેડુતનું ટ્રેક્ટર પાર્ક કરવા માટે ક્રિકેટ રમતાં છોકરાઓ સાથે માથાકુટ થતાં છોકરાઓ અને તેમનાં સાગરીતોએ બેટ અને સ્ટમ્પથી માર મારતાં ખેડુતનું મોત થવા પામ્યું હતું.
બાવળા પોલીસે 13 આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી બે આરોપીને ઝડપી લીધા છે.બાકીનાં આરોપીઓને તાત્કાલીક પકડી લેવા અને કડક કાર્યવાહી કરવા માટે કોળી પટેલ સમાજનાં યુવાનોએ બાવળા સ્વૈચ્છીક બંધનું એલાન આપ્યું હતું.જે સફળ રહ્યું હતું.બાવળામાં મૌન રેલી નીકળી હતી.ત્રણ દિવસમાં આરોપીઓ પકડાશે નહીં તો જીલ્લા બંધ અને ગુજરાત બંધની સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ધોળકા તાલુકાનાં રનોડા ગામનાં ખેડુત હિંમતભાઈ નરસિંહભાઈ પરમારને માર્કેટયાર્ડમાં ટ્રેક્ટર પાર્ક કરવા માટે ત્યાં ક્રિકેટ રમતાં છોકરાઓ સાથે બોલાચાલી થતાં છોકરાઓએ તેમનાં સાગરીતોને બોલાવીને બેટ અને સ્ટમ્પથી મારામારી કરતાં હિંમતભાઈનું હોસ્પીટલમાં સારવાર મળે તે પહેલા જ મોત થતાં કોળી પટેલ સમાજ મોટી સંખ્યામાં ભેગો થઈ જતાં બાવળા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઇને ફરીયાદનાં આધારે બાવળા પોલીસે 13 વ્યકિત સામે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવાં ચક્રો ગતિમાન કર્યા હતાં.
જેમાં બાવળા પોલીસે એક સગીર આરોપીને અને એક તરૂણ રમેશભાઇ ભરવાડ મળી કુલ 2 આરોપીઓને ઝડપી લીધા છે. બીજા આરોપીઓ નહીં પકડાતાં બાવળાનાં કોળી પટેલ સમાજનાં યુવાનોએ બાવળા મામલતદારને આવેદનપત્ર આપીને તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને ભવિષ્યમાં આ પ્રકારની અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે શુક્રવારે સ્વૈચ્છીક બાવળા બંધનું એલાન આપ્યું હતું.આ બંધના એલાનને નાના-મોટાં તમામ વેપારીઓએ પોતાના વેપાર - ધંધા સ્વૈચ્છિક બંધ રાખીને સફળ બનાવ્યું હતું. તેમજ સવારે માર્કેટયાર્ડમાં શોકસભા રાખવામાં આવી હતી.
આ શોકસભામાં બાવળા, સાણંદ, ધોળકાનાં કોળી પટેલ સમાજનાં આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.તેમજ યુવાનોએ બાવળામાં માર્કેટયાર્ડથી મૌન રેલી કાઢી હતી.આ રેલી માર્કેટયાર્ડથી હાઇસ્કુલ સર્કલ, ટાવર ચોક, મેઇન બજાર, સ્ટેશન રોડ, સરકારી દવાખાના ચાર રસ્તાથી માર્કેટયાર્ડમાં પરત ફરી હતી.
અને ત્યાં સમાજનાં આગેવાનોએ જણાવ્યું હતું કે અમે બધા સમાજની સાથે છીએ આમાં કોઈ રાજકીય પક્ષને વચ્ચે લાવવામાં આવશે નહીં.અને તમામ આરોપીઓની 3 દિવસમાં ધરપકડ નહિં થાય અને આરોપીઓ વિરૂદ્ધ કડક હાથે કાનુની કાર્યવાહી નહિં કરવામાં આવે તો સમસ્ત કોળી સમાજ દ્વારા જીલ્લા બંધનું એલાન આપવામાં આવશે અને પછી ગુજરાત બંધનું એલાન આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.