બાવળાના હસનનગર ગામની વ્યક્તિ નોકરી કરીને બાઇક લઇને ઘરે જઈ રહી હતી ત્યારે સામેથી આવતી કારનું ટાયર ફાટતાં સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર બાઇક સાથે અથડાતાં બાઇક ચાલકને માથામાં અને શરીરે ઇજાઓ થતાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. જેથી કેરાળા જીઆઇડીસી પોલીસે ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બાવળાના હસનગર ગામમાં આવેલા જમોડવાસમાં રહેતાં વાડીલાલભાઇ ભુરાભાઇ જાદવ (કોળી પટેલ) કેરાળા ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. તેઓ સાંજના નોકરીએથી છૂટીને બાઇક લઇને ઘરે આવી રહ્યા હતા.
આશરે સાડા 7 વાગ્યે કેરાળા-નળસરોવર રોડ ઉપર આવેલી ખાનગી સ્ટીલની કંપની પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે નળ સરોવર તરફથી આવી રહેલી કારનું આગળનું ટાયર અચાનક કોઇ કારણસર ફાટતાં કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર બાઇક સાથે અથડાઇ હતી. બાઇક ચાલક નીચે પડી જતાં તેમને માથાનાં ભાગે અને શરીરે ઇજાઓ થતાં લોહી નીકળવા લાગ્યું હતું. આ સમયે વાડીલાલભાઇનો પુત્ર રોહીત બાઇક લઇને પાછળ-પાછળ આવતો હતો જેથી તે ઉભો રહી ગયો હતો.
કોઈએ 108 ની ઈમરજન્સી સેવાને ફોન કરતાં 108 તરત જ ઘટના સ્થળે પહોંચી જઇને ઇજાગ્રસ્તને બાવળા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ ડોક્ટરે તેમને મરણ થયાનું જણાવ્યું હતું. રોહીતે જણાવ્યું હતું કે ગાડીમાં બીજા માણસો સાથે હતા તે ગાડીના ચાલકને જયદિપસિંહ જયન્દ્રસિંહ વાઘેલા તરીકે બોલાવતાં હતા. જેથી પ્રહલાદભાઇ ભુરાભાઇ જાદવે (કોળી પટેલ) કેરાળા જીઆઈડીસી પોલીસમાં ગાડી ચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરીયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.