વીજકરંટ:રજોડા ગામના તળાવમાં કરંટ લાગવાથી 4 ભેંસનાં મોત થયાં

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદને કારણે લાઇટનો થાંભલો તળાવમાં નમી પડ્યો હતો, યુજીવીસીએલના અધિકારીઓની વળતરની ખાતરી

બાવળા તાલુકામાં મંગળવારે સાંજના સમયે ધોધમાર વરસાદ પડતાં તાલુકાનાં રજોડા ગામનાં તળાવની દિવાલ ધસી પડતાં યુજીવીસીએલનો લાઇટનો થાંભલો પણ રાત્રે કોઈપણ સમયે નમી ગયો હતો.જેથી વીજળીનો કેબલ તૂટી ગયો હતો અને તેનો કરંટ તળાવમાં ફેલાઈ ગયો હતો.

સવારે 6 વાગ્યાની આસપાસ ગામનાં રહીશે થાંભલો નમી ગયેલો જોતા વાયરમેનને ફોન કરીને જાણ કરી હતી.તેમજ ગામલોકોએ યુજીવીસીએલનાં અધિકારીને પણ ફોન કરતાં તેઓએ ફોન ઉપાડયા નહોતો.અને સવારે 10 વાગ્યાની આસપાસ આનંદીબેન દીલીપભાઇ ગોહેલની 3,40,000 રૂપીયાની 4 ભેંસો તળાવમાં પડતાં જ કરંટ લાગવાથી ભેંસોનાં મોત થવા પામ્યા હતાં.

ઘટનાની જાણ ગામમાં વાયુવેગે ફેલાતાં ગામલોકો મોટી સંખ્યામાં તળાવ કાંઢે ભેગા થઈ ગયા હતાં.તેમજ ગામનાં રહીશ અને ખેડુત આગેવાન, ખેતીબેંકનાં ડિરેક્ટર કાનભા ગોહિલ, બાવળા તાલુકા ભાજપ પ્રમુખ ચેતનસિહ ગોહિલ, ગામનાં સરપંચ, તલાટી પણ આવી ગયા હતાં.તેમણે તરત જ બાવળા પોલીસ, યુજીવીસીએલનાં અધિકારીઓ,પશુ દવાખાનામાં જાણ કરતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.અને પંચનામુ કરી ભેંસોનું પી.એમ.કરીને કાર્યવાહી હાથ ધરીને યુજીવીસીએલનાં અધિકારીએ ભેંસોનું વળતર આપવાની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...