બાવળા તાલુકાનાં કોચરીયા ગામની સીમમાં આવેલી સ્વયંમ લાઇફસ્પેસ નામની રેસીડેન્સીયલ પ્લોટોની સાઇટ ઉપરથી થોડા દિવસ પહેલા ઇલેકટ્રીક લાઇટ સપ્લાય માટેની ડી.પી.ઓ માંથી કોપરની પટ્ટીઓ, ફ્યુઝ અને અર્થીગની પાઇપો મળી કુલ 1,80,000 રૂપીયાની ચોરી થવા પામી હતી. જેથી બાવળા પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
ત્યારે બાવળા પી.આઇ. આર.ડી.સગરએ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ દરમ્યાન બાવળાની સાણંદ ચોકડી પાસે આવતા પોલીસને બાતમી મળી હતી કે બે ચોર જેમાં એકે લીલા કલરનો શર્ટ તથા વાદળી જીન્સ પેન્ટ અને બીજા એ કાળા કલરની ટી - શર્ટ તથા આછુ કાળુ પેન્ટ પહેર્યું છે તે ચોરીનો માલ વેચાણ માટે બાવળા સાંણદ ચોકડી ઉપર સાંણદ તરફ જવાના રોડ ઉપર ઉભા છે.
જે બાતમીનાં આધારે બાવળા પોલીસે બાતમી મુજબની જગ્યાએથી જયેશકુમાર ઉર્ફે જયલો ઘનશ્યામભાઇ પગી, રહેવાસી, ઢેઢાળ પગીવાસ, તા. બાવળા અને રાજેશભાઇ ઉર્ફે કાળુભાઇ કોળી પટેલ, હાલ રહેવાસી, બુટભવાની નગર, બાવળા, મુળ રહેવાસી,જુવાલ, તા.બાવળાને પકડી લીધા હતાં અને તેમની પાસેનાં કપડાનો થેલાં માંથી 8 કિલો કોપરની પટ્ટીઓના ટુકડા નંગ - 25 મળીને આવ્યા હતાં.
જેની પૂછપરછ કરતાં મુદામાલ તેઓ બન્ને જણાએ અને બીજા નવઘણભાઇ ઉર્ફે નઘો વિનુભાઇ પગી, રહેવાસી,ઢેઢાળ, તા.બાવળા અને સાચીભાઇ રાજુભાઇ પગી, રહેવાસી,કોચરીયા, તા.બાવળા મળીને કોચરીયા ગામની સીમ સ્વયંમ લાઇફસ્પેસ નામની રેસીડેન્સીયલ પ્લોટોની સાઇટ ઉપરથી ચોરી કર્યાની કબુલાત કરતાં ચોરીમાં ગયેલા મુદામાલ પૈકી 8000 રૂપીયાનાં 8 કિલો કોપરની પટ્ટીઓના ટુકડા કબ્જે કરીને બંને ચોરને જેલના સળીયા પાછળ ધકેલી દઈને બાકીનાં બે ચોરોને અને બાકીનો મુદામાલ કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.