કાર્યવાહી હાથ ધરાઇ:બાવળામાંથી ગેરકાયદે કફ-સીરપની બોટલોનું વેચાણ કરતા 2 શખસ ઝબ્બે

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ વિરૂદ્ધ એન ડી પી એસ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ

બાવળા પોલીસે બાતમીના આધારે બાવળામાં આવેલી રૂપાલ ચોકડી પાસેના ખેતરમાં ધાસચારની આડમાં સંતાડી રાખેલી 1061 કફસીરપની બોટલોનું ગેરકાયદેસર વેચાણ કરતી 2 વ્યકિતઓને પકડી પાડીને 2,12,840 રૂપિયાનો મુદામાલ જપ્ત કરીને પકડાયેલા બંનેને જેલના સળીયા પાછળ ધકેલી દઇને માલ મોકલનારને વોન્ડેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ નાર્કોટીક્સનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બાવળામાં યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા માટે બાવળા પી.આઇ આર.ડી.સગરે પોલીસને કામે લગાડી હતી. પોલીસને બાતમી મળી હતી કે બાવળામાં આવેલી રૂપાલ ચોકડી પાસે આવેલા ક્રિશ્ના ફાર્મની બાજુમાં આવેલા ખેતરમાં ધાસચારની આડમાં બાવળામાં આવેલા ભુંસીનો ખાડામાં રહેતાં ભુરો ભરવાડ અને મેહુલ ઉર્ફે કકુ રાવળ ગેરકાયદેસર કફ સીરપની બોટલો રાખીને વેચાણ કરી રહ્યા છે.

જે બાતમીનાં આધારે બાવળા પી.આઇ આર.ડી.સગર, કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઇ ચોહાણ, અશોકસિંહ વગેરેની પોલીસ ટીમે દરોડો પાડીને કફસીરપની બોટલોનું વેચાણ કરતાં જયેશ ઉર્ફે ભુરો હરીભાઇ રાતડીયા(ભરવાડ) અને મેહુલ ઉર્ફે કકુ કાલુભાઇ રાવળ, બંને રહેવાસી, ભુંસીનો ખાડો બાવળાને પકડી લીધા હતાં.

તેમની પાસેથી 1,69,760 રૂપિયાની કફસીરપની 1061 બોટલો, 11,000 રૂપિયાનાં 3 મોબાઇલ, 2080 રૂપિયા રોકડા, 30,000 રૂપિયાનું બાઇક મળીને કુલ 2,12,840 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને બંનેને જેલના સળીયા પાછળ ધકેલી દઇને માલ ક્યાંથી લાવ્યા હતાં તેની પૂછપરછ કરતાં, આ માલ વિરમગામ તાલુકાના થોરી ગામનાં રણજીત સવાભાઇ ભરવાડે આપ્યો હોવાનું કબુલતાં તેને વોન્ટેડ જાહેર કરીને તમામ વિરૂદ્ધ એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...