બાવળા પાસે આવેલા રજોડા ગામનાં પાટીયા નજીક આવેલી કેનાલ પાસે એસ.ટી.બસનાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઇક ઉપર સવાર બે યુવાનોનાં ઘટના સ્થળે જ મોત થવા પામ્યા છે. જ્યારે એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એસ.ટી. ચાલક બસ લઈને નાશી છૂટયો હતો. ત્રણેય યુવાને મેલડી માતાજીનાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતાં. બાવળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાવળામાં આવેલી અનેરી પાર્ક સોસાયટીમાં રહેતાં જયદીપભાઇ વિનોદભાઈ પ્રજાપતિ (ઉ.વ.29) તેના મિત્ર ભરત ઉર્ફે ભાવેશભાઇ દિનેશભાઇ વાણીયા (ઉ.વ 23) રહેવાસી, કોચરીયા, તા.બાવળા અને ધવલભાઈ મનુભાઈ સલાટ (ઉ.વ.22) રહેવાસી, વિજય સીનેમાં, બાવળા હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ બાઇક લઇને બાવળાથી સરી પાટીયા પાસે આવેલા મેલડીમાતાનાં મંદીરે દર્શન કરવા જઈ રહ્યા હતાં અને તેઓ રજોડા ગામનાં પાટીયા પાસે આવેલી કેનાલ પાસે ગોકુલ રાઇસ મીલ સામેથી પસાર થઈ રહ્યા હતાં.
ત્યારે અજાણ્યા સરકારી બસનાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે બસ ચલાવીને બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક અને ત્રણેય યુવાનો રોડ ઉપર પટકાતાં ત્રણેય યુવાનોને માથાનાં ભાગે, મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં જયદીપભાઈ પ્રજાપતિ અને ભરતભાઇ વાણીયાનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું.
ધવલભાઇને મોઢાના ભાગે નાની મોટી ઇજા તથા ડાબા પગે ફેક્ચર થતાં સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બસ ચાલક બસ લઈને નાશી છૂટયો હતો. અકસ્માત થતાં લોકો ભેગા થઈ ગયા હતાં અને બાવળા પોલીસને અને યુવાનોનાં ઘરના સભ્યોને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચી જઈને મરણ જનાર બંનેની લાશોને બાવળા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.માટે મોકલી આપીને જયેશકુમાર વિનોદભાઇ પ્રજાપતીએ બાવળા પોલીસમાં અજાણ્યા સરકારી બસ ચાલક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.