જીએસટી બિલ વિનાનાં સોનાનાં બિસ્કિટ સસ્તામાં આપવાના બહાને રૂ. 10 લાખની લૂંટની ઘટના બાવળા તાલુકાના રાણેસર ગામ પાસે બની છે. શિહોર તાલુકાના રાજપરા ગામના કાકા-ભત્રીજાને ગારિયાધારના ગઠિયાઓએ વાતમાં ભોળવીને જુદાં જુદાં સ્થળે બોલાવ્યા પછી એલસીબીના સ્વાંગમાં રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા. પાન પાર્લર ચલાવતા ભત્રીજાએ કેરાળા જીઆઇડીસી પોલીસમાં ઠગટોળકી સામે ફરિયાદ નોંધાવી છે.
રાજપરામાં હનુમાનજી મંદિર પાસે રહેતા અશોકભાઈ રામભાઈ ડાંગર (આહીર) રાજપરા-ભાવનગર હાઈવે પર શ્રી કૃષ્ણ પાન પાર્લર ચલાવે છે. થોડા મહિના અગાઉ ગલ્લા ઉપર ભાવેશ દિનેશભાઈ પરમાર (રહે. પાનસડા તા. ગારિયાઘાર) અને કમલેશ ઉર્ફે કમાભાઈ (રહે. ગારિયાધાર) આવ્યા હતા અને સસ્તા ભાવે સોનાની લગડી કે બિસ્કિટ ખરીદવાની ઇચ્છા હોત તો કહેવા જણાવ્યું હતું. અશોકભાઈએ કાકા રાજુભાઈ પાંચાભાઈ ડાંગરને આ વાત કરી હતી. બાદમાં તેમણે ઘનશ્યામ બદાણી સાથે ફોન ઉપર વાત કરાવી હતી. ઘનશ્યામે પોતાની પાસે જીએસટી બિલ વગરનાં સોનાનાં બિસ્કિટ આવતા હોવાનું અને સોનીઓ તથા વેપારીઓ લઈ જતા હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. ત્યાર પછી ભાવેશ અને કમલેશે બોલાવતાં કાકા-ભત્રીજા જેસર ગયા હતા. જ્યાં ગઠિયાઓએ 10 લાખ રૂપિયા માગ્યા હતા.
જોકે બિસ્કિટ જોયા પછી રૂપિયા આપવાની વાત કરતાં માણસો બિસ્કિટ લઈને આવ્યા ન હોવાનું કહેતાં અશોકભાઈ અને તેમના કાકા જતા રહ્યા હતા. ત્યાર પછી ફરી 20 ડિસેમ્બરે આણંદ પાસેના વાસદ ખાતે બિસ્કિટ આપવાનું કહી ઘનશ્યામે રાજુભાઈને વટામણ ચોકડી બોલાવ્યા હતા. આથી અશોકભાઈ, પિતરાઈ મિલન અને કાકા રાજુભાઈ રૂ. 10 લાખ લઈને વટામણ ચોકડીથી ઘનશ્યામને લઈને વાસદ ગયા હતા. ત્યાં પણ કોઈ માણસ ન આવતાં અશોકભાઈ ઘરે પાછા આવ્યા હતા.
ત્યાર પછી 7 જાન્યુઆરીએ ભાવેશે રાજુભાઈને ફોન પર બાના પેટે થોડા રૂપિયા આપવા કહેતાં શિહોરમાં દાદાની વાવ ખાતે જઈને ભાવેશને રૂ. 1 લાખ આપ્યા હતા. આ પછી 10 જાન્યુઆરીએ ભાવેશે રાજુભાઈને રૂ. 10 લાખ લઈને બગોદરા બોલાવ્યા હતા. આથી અશોકભાઈ અને રાજુભાઈ બગોદરા પહોંચ્યા ત્યારે ભાવેશે ભાયલા પાસેના મોગલધામ નજીક તેનો માણસ આવવાનો હોવાનું કહી ત્યાં પહોંચ્યા હતા.
દરમિયાન ઘનશ્યામે રાણેસર ગામના રોડ પર બોલાવતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા. અહીં રૂપિયા ચેક કર્યા પછી ટોળકીનો એક માણસ કાળા કલરની બૅગ લઈને આવ્યો ત્યાં જ એક કારમાંથી 4 માણસ ઊતર્યા અને એલસીબીના માણસો હોવાનું કહી કેસ કરવાની ચીમકી આપી હતી. બાદમાં એકે અશોકભાઈની કાર હંકારીને અમદાવાદ તરફ લઈ ગયો જ્યાં ભાવેશે ‘આ બંનેનો વાંક નથી. મારી ઉપર કેસ કરો’ કહેતાં નકલી પોલીસે 9 લાખ રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.