જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે બાતમી આધારે બગોદરામાં આવેલા ધોળકા ત્રણ ૨સ્તા પાસેથી ટ્રકમાં સેન્ટીંગનાં કવર બ્લોકની આડમાં લઇ જવાતા વિદેશી દારૂ સાથે એક વ્યકિતને ઝડપી લીધો હતો. પોલીસે ટ્રકમાંથી 33,20,000 રૂપીયાની 6640 બોટલ વિદેશી દારૂની, 5,00,000 રૂપીયાની ટ્રક, 4000 રૂપીયા રોકડ, 5,000 રૂપીયાનો મોબાઇલ,5,000 રૂપીયાનાં સેન્ટીંગનાં કવર બ્લોક મળી કુલ 38,34,000 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને પકડાયેલી વ્યક્તિને જેલમાં ધકેલી દઈને માલ મોકલનાર અને માલ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે મતદારોને રીઝવવા દારૂની રેલમછેલ થતી હોય છે.
ત્યારે અમદાવાદ ગ્રામ્યનાં પોલીસ એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી કે ટાટા કંપનીની ટ્રક નંબર GJ-08-Y 2546 માં મોટા પ્રમાણમાં દારૂ ભરીને અમદાવાદ તરફથી નીકળીને રાજકોટ તરફ જઈ રહી છે.જેથી એલ.સી.બી. ની ટીમ બગોદરામાં આવેલી ધોળકા ત્રણ ચોકડી પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતાં અને બાતમી મુજબની ટ્રક આવતાં તેને ઉભી રખાવી તપાસ કરતાં સેન્ટીંગનાં કવર બ્લોકની નીચે દારૂની 553 પેટીઓમાંથી 6640 વિદેશી દારૂની બોટલો અને 4 બોટલ છૂટી મળી આવી હતી.
જેથી એલ.સી.બી.એ 33,20,000નો વિદેશી દારૂ, 5,00,000ની ટ્રક, 4000 રૂપીયા રોકડા, 5,000 રૂપીયાનો મોબાઇલ,5,000 રૂપીયાનાં સેન્ટીંગનાં કવર બ્લોક મળી કુલ 38,34,000 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને ટ્રકનાં ચાલક હરચંદ ભેરારામ જાની (જાટ), (રહેવાસી, રાવતસર, તા.જી.બાડમેર, રાજસ્થાન)ને ઝડપી લઇને જેલમાં ધકેલી દઈને માલ મોકલનાર અને માલ મંગાવનાર રમેશ જાટ, પ્રકાશ બિશનોઇ, અનિલ પંડયાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.