બાવળાની રાઇસ મિલમાં દુર્ઘટના:ગરમ પાણીની ટાંકીની દીવાલ ફાટતાં 1નું મોત, 4 લોકોની હાલત ગંભીર

બાવળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાઇસ મીલોમાં કામ કરતાં કારીગરોને કોઈપણ જાતની સેફ્ટીનાં સાધનો આપવામાં આવતાં ન હોવાથી આ પ્રકારની ઘટના બનતી હોવાથી રોષ

બાવળામાં આવેલી ઉમિયા રાઇસ-મિલમાં રાત્રે ગરમ પાણીની ટાંકીની દીવાલ તૂટતા નીચે કામ કરી રહેલા 5 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેમને સારવાર માટે બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતાં.જેમાંથી સારવાર દરમ્યાન એક મજૂરનું મોત થવા પામ્યું હતું.અને 4 મજૂરોને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા છે.

ઘટનાની જાણ બાવળા પોલીસને થતાં બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈને વધુ તપાસ હાથ ધરી છે. બાવળામાં નેશનલ હાઇ-વે ઉપર આવેલી ત્રિમૂર્તિ હોસ્પિટલની પાછળના ભાગે આવેલી ઉમિયા રાઇસ-મિલમાં રાત્રે કામ ચાલું હતું ત્યારે મિલમાં બોઇલરની બાજુમાં પાંચ મજૂરો કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક બોઇલરની ગરમ પાણીની ટાંકીની દીવાલ તૂટી પડી હતી. દીવાલ તૂટી પડતા ગરમ પાણીની ટાંકીનું ગરમ પાણી બાજુમાં કામ કરી રહેલાં મજૂરો ઉપર પડતા 5 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતાં.

બૂમાબૂમ થતાં મીલમાંથી માણસો દોડી આવ્યા હતાં.અને કોઇએ 108 ને ફોન કરતાં 108 ની ઈમરજન્સી વાન તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ આવ્યા હતાં. ફરજ ઉપરનાં હાજર ડોકટરે તપાસ કરતાં મજૂર રોહિત બીજેન્દ્ર મહાતોનું સારવાર દરમ્યાન મોત થવા પામ્યું હતું. અને બીજા 4 મજૂરો બીજેન્દ્ર ભુવાલી મહાતો,શિવકુમાર દિલીપ મહાતો,ધનંજય પ્રભુ પટવારી અને નાગેન્દ્ર પટવારી શરીરે ગંભીર રીતે દાઝી ગયા હોવાથી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતાં.

આ અકસ્માતની જાણ બાવળા પોલીસને થતાં બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચીને પંચનામું કરીને લાશનું પી.એમ.કરાવી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.રાઇસ મીલોમાં કામ કરતાં કારીગરોને કોઈપણ જાતની સેફટીનાં સાધનો આપવામાં આવતાં નથી.જેથી સેફટીનાં અભાવે આ ઘટના બની હોવાનું અને અગાઉ અનેક આવી ઘટનાઓ બનવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...