નિર્ણય / ઋષિકેશમાં 90 વર્ષ જૂનો લક્ષ્મણઝુલા પુલ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો

  • ઈ.સ. 1929માં ખુલ્લો મુકાયેલો લક્ષ્મણઝુલા પુલ અત્યંત જર્જરિત થઈ ગયો છે
  • ગંભીર જાનહાનિ ટાળવા આ નિર્ણય લેવામાં આવ્યો

Divyabhaskar.com

Jul 12, 2019, 08:42 PM IST

ઉત્તરાખંડ: ટ્રાવેલ ડેસ્ક. હરિદ્વાર પાસેના યાત્રાધામ ઋષિકેશમાં ગંગા નદી પર આવેલો વિખ્યાત સસ્પેન્શન બ્રિજ ‘લક્ષમણઝુલા’ શુક્રવારે યાત્રાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યો. આ માટે પુલની અત્યંત નબળી સ્થિતિનું સત્તાવાર કારણ આપવામાં આવ્યું છે. એડિશનલ ચીફ સેક્રેટરીએ પરિપત્ર બહાર પાડીને તાત્કાલિક અસરથી પદયાત્રીઓ અને વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના એક્સપર્ટ્સનું કહેવું છે કે આ પુલ હવે વધુ ભાર સહન કરી શકે તેમ નથી. એક્સપર્ટ્સની ટીમે કરેલા અવલોકનમાં બહાર આવ્યું કે પુલના ઘણા બધા પાર્ટ્સ જર્જરિત સ્થિતિમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે કાંવડયાત્રા શરૂ થવાના માત્ર એક જ અઠવાડિયા પહેલાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

પાછલાં થોડાં વર્ષોમાં લક્ષ્મણઝુલા પરના ટ્રાફિક અને પ્રવાસીઓમાં અનેકગણો વધારો થયો છે. પરિણામે પુલના બંને બાજુના ટાવર પણ એક દિશામાં ઝૂકવા લાગ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ ગંભીર દુર્ઘટના ઘટે તે પહેલાં તાત્કાલિક અસરથી આ પુલને બંધ કરી દેવો તે જ એકમાત્ર રસ્તો છે. અલબત્ત, આવતા અઠવાડિયેથી શરૂ થઈ રહેલી કાંવડ યાત્રા તો અગાઉની જેમ જ આ પુલ પરથી જ પસાર થશે.

ઈ.સ. 1929માં બન્યો હતો લક્ષ્મણઝુલા
અત્યારે ઋષિકેશની ઓળખ બની ગયેલો લક્ષ્મણઝુલાનો આ સસ્પેન્શન બ્રિજનું નિર્માણ મૂળે ઈ.સ. 1923માં શરૂ થયેલું. પરંતુ તેના એક વર્ષ પછી જ ગંગા નદીમાં આવેલા વિનાશક પૂરમાં તેને પારાવાર નુકસાન પહોંચ્યું હતું. આખરે સમારકામ બાદ ઈ.સ.1930માં આ પુલ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હિન્દુ માન્યતા અનુસાર રામાયણ કાળમાં લક્ષ્મણજીએ અહીંથી શણના દોરડાની મદદથી ગંગા નદી પાર કરી હતી. 450 ફૂટ લાંબા અને 6 ફૂટ પહોળો લક્ષ્મણઝુલા બ્રિજ તત્કાલીન ઉત્તર પ્રદેશનો વાહન પસાર થઈ શકે તેવો સૌપ્રથમ સસ્પેન્શન બ્રિજ હતો. તે સમયે પુલના નિર્માણ વખતે તેના પર પડનારા લોડને ગણતરીમાં લેવામાં આવતો નહોતો. જ્યારે હવે સ્ક્વેરફીટ દીઠ 500 કિલોગ્રામ વજનની ગણતરી કરીને પુલનું નિર્માણ કરવામાં આવે છે.

રામઝુલા સુરક્ષિત
લક્ષ્મણઝુલાની નજીક આ જ પ્રકારનો બીજો સસ્પેન્શન બ્રિજ ‘રામઝુલા’ પણ આવેલો છે. લક્ષ્મણઝુલાની સાથોસાથ તેનું પણ પીડબ્લ્યુડી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઈ.સ. 1986માં બનેલા રામઝુલા બ્રિજને હાલપૂરતું ‘ફિટનેસ સર્ટિફિકેટ’ મળી ગયું છે.

અલબત્ત, લક્ષ્મણઝુલા બ્રિજનું સમારકામ થઈ શકશે કે પછી તેને સંપૂર્ણપણે ધરાશાયી કરી દેવામાં આવશે તે વિશે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ ધરાવતો લક્ષ્મણઝુલા બ્રિજ ‘ગંગા કી સૌગંધ’, ‘સંન્યાસી’ જેવી ફિલ્મો તથા ‘CID’ જેવી ટીવી સિરિયલમાં પણ ચમકી ચૂક્યો છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી