અનલોક-3:31 ઓગસ્ટ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં મુસાફરી કરી શકાશે નહીં, DGCAએ પ્રતિબંધ મૂક્યો

2 વર્ષ પહેલા
  • કોવિડ-19 સંકટની વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ‘એર બબલ’ની જાહેરાત કરી હતી

એવિયેશન રેગ્યુલેટર ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધની સમયમર્યાદા 31 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. જો કે, DGCA દ્વારા આ પ્રતિબંધ ઈન્ટરનેશનલ કાર્ગો અને DGCA દ્વારા મંજૂર કરવામાં આવેલી ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. DGCAએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, સરકારે શિડ્યુઅલ કોમર્શિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની સસ્પેન્શન અવધિ વધારવાનો નિર્ણય કર્યો છે. તે 31 ઓગસ્ટ રાતે 11 વાગીને 59 મિનિટ સુધી રહેશે.

અગાઉ 3 જુલાઈએ DGCAએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર આ પ્રતિબંધ 31 જુલાઈ સુધી લંબાવી દીધો હતો. ત્યારબાદ એક વખત ફરીથી વધારીને 15 ઓગસ્ટ કરવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ પ્રતિબંધ એટલા માટે લંબાવવામાં આવ્યો હતો કારણ કે ભારતને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરતાં પહેલાં કેટલીક જરૂરી તૈયારીઓ માટે સમયની જરૂર છે.

કોવિડ-19 સંકટની વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ‘એર બબલ’ની જાહેરાત કરી હતી. તે અંતર્ગત ભારતથી અમેરિકા, ફ્રાન્સ અને જર્મની માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને મંજૂરી આપવામાં આવશે. ફ્રાન્સની ‘એર ફ્રાન્સ’ અને અમેરિકાની ‘યુનાઈટેડ એરલાઈન્સ’ અનુક્રમે પેરિસ અને અમેરિકાથી ભારત માટે લિમિટેડ ફ્લાઈટ શરૂ થશે.

1 ઓગસ્ટથી શરૂ થશે વંદે ભારતનો પાંચમો તબક્કો
'વંદે ભારત મિશન' અંતર્ગત અત્યાર સુધી વિદેશમાં ફસાયેલા 8.14 લાખ ભારતીય નાગરિકોને લાવવામાં આવ્યા છે. ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે, 1 ઓગસ્ટ 2020થી ‘વંદે ભારત મિશન’ ફેઝ-5 શરૂ થશે. તેમના જણાવ્યા પ્રમાણે, પાંચમા તબક્કામાં 23 દેશોમાંથી ભારતીયોને લાવવા માટે 792 ફ્લાઈટ નક્કી કરવામાં આવી છે, જેમાં 692 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ અને 100 ડોમેસ્ટિક ફ્લાઈટ છે.

પાંચમા તબક્કામાં આ દેશોમાંથી ભારતીય નાગરિકોને લાવવામાં આવશે
ફેઝ-5માં USA, કેનેડા, કતાર, ઓમાન, UAE, ઓસ્ટ્રેલિયા, જર્મની, થાઈલેન્ડ, સિંગાપોર, UK, સાઉદી અરેબિયા, બહેરિન, ન્યુ ઝીલેન્ડ, ફિલિપાઇન્સ સહિત ઘણા દેશોમાંથી ભારતીયોને પરત લાવવામાં આવશે. પાંચમા તબક્કામાં સરકારે ઘણા દેશોનો સમાવેશ કર્યો છે. કેન્દ્ર સરકારે 7મેના રોજ વંદે ભારત મિશન શરૂ કર્યું હતું અને અત્યારે તેનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. ચોથા તબક્કામાં અત્યાર સુધીમાં 1197 ફ્લાઇટ્સનું શેડ્યુઅલ તૈયાર કરવામાં આવ્યું છે, તેમાં 945 ઈન્ટરનેશનલ અને 252 ફીડર ફ્લાઈટ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...